ભક્તરત્નો
42 views
Content
13 of 17
દિવ્યભાવનો વિરલ દાખલો
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં જીવન સમર્પિત કરીને ઉપાસના પ્રવર્તનનું મહાન કાર્ય કરનાર એક વિરલ સંત એટલે સદ્ગુરુવર્ય નિર્ગુણદાસજી સ્વામી. તેઓની સેવા માટે સ્વયં શાસ્ત્રીજી મહારાજ કહેતા કે, ‘સત્સંગ પ્રવર્તનમાં નિર્ગુણ સ્વામીની સેવા ૧૪ આની છે, ને બાકી બધાંય બે આનીમાં આવી જાય!’ સંપ્રદાયના પ્રતિષ્ઠિત હોદ્દાઓ છોડીને, રોમ-રોમ ડંખે એવી અગવડોની પરંપરાઓ સહન કરીને તેઓએ અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કર્યું હતું. આફ્રિકા રહેતા ભક્તોને પુસ્તક કદના પત્રો લખીને તેઓએ નિષ્ઠાનું અમૃત પાયું હતું. એવા મહાન સંતને ગુરુ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે કઈ કક્ષાનો દિવ્યભાવ, વફાદારી અને પક્ષ હતા તે સમજવા એક જ પ્રસંગ પર્યાપ્ત છે.
સારંગપુરમાં એક વખત તેઓનું ધોતિયું ફાટી ગયું. તેઓ શાસ્ત્રીજી મહારાજ પાસે નવું ધોતિયું માંગવા ગયા. શાસ્ત્રીજી મહારાજ તેઓને કહે: ‘નહીં મળે. તમે દાંડિયું કરીને પહેરો (દાંડિયું કરવું એટલે જૂના ધોતિયાને વચ્ચેથી ફાડીને બંને છેડાઓથી સાંધીને ફરી પહેરવું).’ તે સમયે નિર્ગુણ સ્વામીએ લેશમાત્ર ફરિયાદ ન કરી કે, ‘હું આ સેવા લાવું છું અને તમે મને જ આપવાની ના પાડો છો.’ તેઓએ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા માથે ચડાવી. પરંતુ વિશેષ આશ્ચર્ય તો પછી બન્યું. એ સમયે એક બાવાજી યાત્રાએ જવા નીકળ્યા હતા. તેઓ ફરતાં-ફરતાં સારંગપુર આવી પહોંચ્યા. તેમને ધોતિયાની જરૂર હશે તો શાસ્ત્રીજી મહારાજ પાસે માંગ્યું. શાસ્ત્રીજી મહારાજે તત્કાળ નવું જ ધોતિયું તાકામાંથી ફડાવીને આપી દીધું. એટલે નિર્ગુણ સ્વામીએ રમૂજમાં પૂછ્યું: ‘એને આપો છો અને મને દાંડિયું કરવાનું કહો છો!’ તો શાસ્ત્રીજી મહારાજ કહે: ‘તમારે તો સાક્ષાત્ મહારાજ-સ્વામીનો આધાર છે અને આ બાવાજીને તો કોઈનો આધાર નથી. માટે એને તો આપવું પડે.’
સંસ્થા માટે પોતાની જાત ઘસી નાખવા છતાં એક નવું ધોતિયું ન આપ્યું તોયે તેઓને ગુરુમાં લેશમાત્ર મનુષ્યભાવ નથી આવ્યો. આવા પ્રસંગ બનતા ત્યારે તેઓ તરત શાસ્ત્રીજી મહારાજનો અપરંપાર મહિમા કહેવા લાગતા. અખંડ દિવ્યભાવ, અપૂર્વ ઉત્સાહ અને આજીવન વફાદારી સાથે તેઓએ કરેલી સેવાઓ આપણા સૌ માટે કાયમી દીવાદાંડીરૂપ બની રહેશે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!