ભગવાન સ્વામિનારાયણ
105 views
Content
11 of 14
અમારા પર દયા રાખજો
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સંવત ૧૮૬૬માં શ્રીજીમહારાજે ભૂજમાં ભવ્ય ફૂલદોલોત્સવ કર્યો. એટલો રંગ રેલાયો કે ધરતી લાલ થઈ ગઈ! ઉડતા ગુલાલે આકાશને રક્તવર્ણું બનાવી દીધું! ભુજવાસીઓ પણ આવો મનમોહક ઉત્સવ પોતાના જીવનમાં પ્રથમ વાર જોઈ રહ્યા હતા. ફૂલદોલના બીજે દિવસે સંતો-હરિભક્તોએ મહારાજને પુષ્પના હિંડોળામાં બેસાડી મન ભરીને ઝૂલાવ્યા. આવા અભૂતપૂર્વ મહોત્સવનો લાભ લેવા માટે દૂરદૂરના પ્રાંત-દેશમાંથી હરિભક્તો ઊમટ્યા હતા.
ઉત્સવ પૂર્ણ થયા બાદ કંથકોટ, ધમડકા, માંડવી, બળદિયા, માનકૂવા વગેરે ગામના હરિભક્તો વિદાય થતાં પહેલાં મહારાજનાં દર્શને આવ્યા. મહારાજની રજા માંગતાં કહ્યું: “મહારાજ! અમારા ઉપર દયા રાખજો.’
“તમે પણ અમારા પર દયા રાખજો.” તરત જ મહારાજે માર્મિક રીતે હસતાં-હસતાં કહ્યું.
હરિભક્તોએ મહારાજના આ શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા અને પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં હરિભક્તો ઉત્સવની સ્મૃતિ કરતા હતા કે શું ફૂલદોલ થયો! મહારાજ કેવા સુંદર શોભતા હતા! મહારાજે કેવો રંગ ઉડાડ્યો! તેવામાં એક હરિભક્તે કહ્યું, “જતી વખતે મહારાજે આપણને એમ કેમ કહ્યું કે ‘અમારા પર દયા રાખજો’? એ સમજાયું નહીં.” આ મૂંઝવણનું સમાધાન કરવા સંઘ પાછો આવ્યો અને મહારાજ સમક્ષ પોતાની મનોવ્યથા રજૂ કરી: “મહારાજ! આપે કહ્યું કે, અમારા પર દયા રાખજો તે અમને સમજાયું નહીં. આપ તો અમારા ઈષ્ટદેવ છો, દયા તો આપે અમારા પર રાખવાની હોય.” હરિભક્તો ઉત્સુકતાથી મહારાજ સમક્ષ એકીટશે જોઈ રહ્યા.
મહારાજે પોતાના શબ્દોનો મર્મ ઉદ્ઘાટિત કરતા કહ્યું: “સાડા ત્રણ હાથની તમારી આ કાયા છે. તેમાં ત્રણ આંગળનું નાનકડું હૃદય છે. તે હૃદયમાં અમે રહીએ છીએ. માટે તમારું હૃદય શુદ્ધ રાખજો. ત્યાં જો માયિક પદાર્થની વાસના રાખશો, તો અમારાથી તેમાં રહેવાશે નહીં. એટલી દયા તમારે અમારા ઉપર રાખવાની છે.” સર્વે હરિભક્તો મહારાજની આ માર્મિક વાણી સાંભળી સાવધ થઈ ગયા. મહારાજની વાતનું રહસ્ય તેઓના દિલ-દિમાગમાં ઘર કરી ગયું.
અનંતકોટિ બ્રહ્માડના અધિપતિ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરે સહિત આપણા નાનકડા એવાં હૃદયમંદિરમાં બિરાજમાન છે. પરંતુ આપણા સ્વભાવો, વાસનારૂપી કચરો તે મંદિરમાં ન પેસી જાય તેનું જાણપણું આપણે અખંડ રાખવાનું છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!