બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ
12 views
Content
1 of 5
માંગો માંગો ભગતજી...
Original
6 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સંવત ૧૯૧૭માં (સને ૧૮૬૧માં) ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભગતને સભામંડપમાં શોભે તેવી એક ચંદની (સભામંડપના ઉપરના ભાગ પર મૂકવામાં આવતો સુશોભિત મોટો ચંદરવો) સીવવાની આજ્ઞા કરી. રોજના ૧૮-૧૯ કલાકનો સતત પરિશ્રમ લઈને ભગતજી ભજનની રમઝટ બોલાવતાં બોલાવતાં ચંદની સીવતા. દસ દરજી જે કામ ૬૦ દિવસમાં કરે તે કામ પ્રાગજી ભગતે એકલે હાથે ૪૧ દિવસમાં પૂર્ણ કર્યું.
બ્રહ્મજ્ઞાન મેળવવાના આવા ઉત્સાહથી સ્વામી અતિશય રાજી થઈ ગયા અને કહ્યું: “પ્રાગજી! હું તારા ઉપર બહુ જ રાજી છું. માટે માંગ, તું જે માંગે તે આપું. ” ભગતજી તો મૌન જ રહ્યા. એટલે સ્વામીએ કહ્યું: “તારા મનમાં એમ હશે કે આ બાવા તને શું આપશે? પણ આ સાધુ કહે તેમ શ્રીજીમહારાજ કરે છે. માટે જે મંગીશ તે આપીશ.”
એમ કહીને સ્વામીએ જ સામેથી કહ્યું: “હું તને કહું છું કે તું ઘરે જા અને મુંબઈ જજે. તને બાર મહિનામાં રૂ.૬૦,૦૦૦ (હાલ આશરે ૮૦ લાખ રૂપિયા) મળશે. તે વડે સાધુનો સમાગમ કરી આનંદ કરજે.”
ભગતજી તો પોતાના લક્ષ્યમાં કટિબદ્ધ હતા. વળી, સ્વામીની રુચિ, અભિપ્રાય અને સિદ્ધાંત તેઓ જાણતા હતા. તેથી સ્વામીનું આ વચન પોતાની પરીક્ષા માટે જ છે એમ સમજી તેમણે હાથ જોડીને કહ્યું: “તેર વર્ષ ગોપાળાનંદ સ્વામીનો તથા નવ વર્ષથી આપનો સત્સંગ હું કરું છું, તેમાં ધન કે સ્ત્રીમાં સુખ છે એવું તો સાંભળ્યું જ નથી. માટે જો આપ ખરેખરા રાજી થયા હો તો તમારું જ્ઞાન મને આપો, તમારું ઘર દેખાડો કે તમે ક્યાંના વાસી છો અને મારો જીવ સત્સંગી કરો તથા શ્રીજીમહારાજ એક અણું જેટલા પણ છેટા ન રહે, એ ત્રણ વર આપો.”
સ્વામી તો પ્રાગજી ભક્તની આ માંગણીથી સ્થિર થઈ ગયા અને છેલ્લી સ્થિતિનું જ્ઞાન સિદ્ધ કરવા તત્પર થયેલા આ ભક્તરાજને વળી છેલ્લી કસોટીએ ચડાવ્યા. સ્વામી કહે: “તારે જ્ઞાનનું શું કામ છે? જા, હું વર આપું છું કે અક્ષરધામમાં હું તને તેડી જઈશ.” એમ ધીરજ જોવા કહ્યું.
પરંતુ ભગતજીએ તો સર્વ સુખનું પરિમાણ કરી મૂક્યું હતું. એટલે પોતાની એક જ વાત પકડી રાખી કહ્યું: “જો આપ રાજી થયા હો તો મારે તો આ ત્રણ વરદાન જ જોઈએ છે. એ વિના તો પૃથ્વીનું રાજ્ય, ઇન્દ્રનું સ્થાન કે પ્રકૃતિપુરુષ આદિનું રાજ્ય મારે ન જોઈએ.” સ્વામી અપાર રાજી થઈ ગયા અને કહે: “જો મરણિયો થાય તો આ જ્ઞાન મળે એવું છે. એ જ્ઞાન લેવું હોય તો ઘર મૂકીને અખંડ અહીં રહે ત્યારે સિદ્ધ થાય.”
હવે ભગતજી સામે બે વિકલ્પ હતા. સ્વામીએ વચન આપ્યું તે પ્રમાણે અક્ષરધામ તો પાકું થઈ જ ગયું છે, તો પછી રૂપિયા પ્રાપ્ત કરી ઘરે રહેવું કે પછી ઘરબારનો ત્યાગ કરી, સખત પરિશ્રમ, કઠોર સાધના કરી સ્વામીનું જ્ઞાન પ્રાપ્ત કરવું? આ બે વિકલ્પમાંથી ભગતજીએ જ્ઞાન પ્રાપ્ત કરવાનો - સાધનાનો કઠણ માર્ગ પસંદ કર્યો.
સ્વામી પ્રસન્ન થઈને બોલી ઊઠ્યાઃ “વાહ પ્રાગજી! તમારો તો બળિયો જીવ છે. આવું હજી સુધી કોઈએ માંગ્યું નથી.”
ગુણાતીતાનંદ સ્વામીના એ માયા પરના બ્રહ્મજ્ઞાનના પાત્ર બનવું, એ કાંઇ ‘લાપસીમાં લીટા’ જેવું સહેલું કામ ન હતું, પણ મસ્તક હાથમાં લઈ, પેટ કટારી મારીને રણસંગ્રામમાં લડવા જવા જેવી શૌર્યસભર વાત હતી. અને એમ કરનારાનાં ટોળાં ન હોય, તે તો સાવજ સમા શૂરવીર જોઇએ. ભગતજી મહારાજ એવા સિંહપુરુષ હતા. ભગતજી મહારાજનું આ ચરિત્ર સાધકમાત્ર માટે દીવાદાંડી સમાન છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!