બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ
12 views
Content
5 of 5
અક્ષરની મોરલી વગાડી
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી ભગતજીને પરબ્રહ્મનો સાક્ષાત્કાર થયો. જેમ શ્રીજીમહારાજ ગુણાતીતાનંદ સ્વામીને વશ હતા, તેમ જ ભગતજીને પણ વશ થઈ ગયા. અને ત્યારબાદ સત્સંગુની ધુરા સોંપતા હોય તેમ ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજીને સર્વે આશ્રિતોના ગુરુપદે સ્થાપ્યા અને બધાને ઉપદેશ આપી, પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કરવાની આજ્ઞા પણ કરી. તેમાં પણ વિશેષ આજ્ઞા કરતાં સ્વામીએ ભગતજીને કહ્યું, “તું મારો અનન્ય શિષ્ય છે, તો મારી આજ્ઞા પ્રમાણે સર્વ સત્સંગમાં મૂળ અક્ષરનું સ્વરૂપ પ્રસિદ્ધ કર.”
ગુણાતીતાનંદ સ્વામીની આ આજ્ઞા અનુસાર ભગતજીએ છડે ચોક અક્ષરની મોરલી વગાડવી શરૂ કરી. જેમ પતંગિયું અગ્નિમાં પડીને ભસ્મ થઈ અગ્નિરૂપ થઈ જાય છે, તેમ ભગતજીએ આવનાર દુ:ખરૂપ અગ્નિની ઉપાધિમાં સ્વામીની આજ્ઞાથી હસતે મુખે પ્રવેશ કર્યો. કોઈને રુચે કે ન રુચે, પણ ‘સ્વામી અક્ષર છે’ એવો જબરજસ્ત ઉદ્ઘોષ તેઓએ કર્યો. તેને કારણે જમતી વેળાએ કે નાના-મોટા પ્રસંગોએ સૌ તેમને હડધૂત કરવા માંડ્યા. કેટલીક વાર તો વિરોધીઓ અપશબ્દોનો મારો પણ ચલાવતા.
એક વાર ભગતજીએ ઊનાના કમા શેઠને સ્વામી મૂળ અક્ષર છે, તે વાત કરી. આ વાતથી ઉશ્કેરાઈને કમા શેઠે ભગતજીને ધોલ મારી દીધી. પણ ભગતજીએ હસતાં મોઢે સહન કરી લીધું. અરે! ભગતજીની ઓળખાણ સત્સંગમાં કેવી અપાતી? કે આખા સત્સંગમાં જેમનું સૌથી વધારે અપમાન થતું હોય, છતાં જે સ્થિર અને શાંત હોય તે ભગતજી જાણી લેવા.
મૂળ અક્ષરનો ઉદ્ઘોષ જેમ જેમ થતો ગયો તેમ તેમ સત્સંગના મોવડીઓ પણ તેના વિરોધમાં ભળ્યા. કેમ કરીને ભગતજીની આ પ્રવૃત્તિ બંધ કરાવવી, તેના ઉપાય શોધવા માંડ્યા. અને અંતે ભગતજીને સત્સંગમાંથી વિમુખ કર્યા એટલે ભગતજીને જૂનાગઢ મંદિર છોડવાનું થયું. જૂનાગઢથી વિદાય લેતી વખતે ભંડારી કુંજવિહારીદાસે ભાથાના લાડુમાં ઝેર ભેળવી દીધું. મહુવા જતા રસ્તામાં ભગતજીએ પ્રસાદ સમજીને થોડો લાડુ ખાધો. પરિણામે ઝેરની અસર સમગ્ર શરીરમાં વ્યાપી ગઈ, જે જીવનભર તેમને સહન કરવી પડી હતી. છતાં ઝેર ખાઈને પણ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તે વાત કરવામાં ભગતજી આળસ્યા નહીં.
વિમુખ થયા પછી પણ ભગતજી મંદિરની બહાર ઓટલા ઉપર બેસીને પણ સૌને અક્ષરની વાત કરતા. અમદાવાદ મંદિરેથી જ્યારે સ્વામી બહાર પધરામણીએ જાય ત્યારે ભગતજી સૌને કહે, “આ અક્ષરધામ ચાલ્યું જાય છે, દર્શન કરી લ્યો.” ગુણાતીતાનંદ સ્વામીને બતાવીને કહે, “આ સૂતું છે તે અક્ષર છે, આ બોલે છે તે અક્ષર છે, આ ચાલે છે તે અક્ષર છે.” આ રીતે જૂનાગઢમાં જ લગભગ ૧૫૦ સાધુ અને ૨૦૦ હરિભક્તોને “ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે”, તેની પ્રતીતિ કરાવી.
સારંગપુરના વાઘાખાચર, મહુવાના ફૂલચંદભાઈ, દામોદર શેઠ વેગેરે અગ્રગણ્ય હરિભક્તો, મેવાસાના હરિભક્તો, વંથળીના દેવજીભાઈ, રાજકોટના મંગળજી ઠક્કર વગેરે હરિભક્તો તેમજ જૂનાગઢના કોઠારી ત્રિકમદાસ, અમદાવાદના નિર્ગુણદાસ સ્વામી તથા વૃંદાવનદાસ, સદ્ગુરુ પવિત્રાનંદ સ્વામી વગેરે મોટેરા સંતોને પણ ગુણાતીતાનંદ સ્વામીના અક્ષરપણાની નિષ્ઠા ભગતજીએ કરાવી હતી.
અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનના ઇતિહાસમાં ભગતજી મહારાજનું બહુમૂલ્ય પ્રદાન એ છે કે એક વખતનાં જૂનાગઢ પૂરતાં જ સીમિત રહેલાં, ‘ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે’ તે જ્ઞાનને તેઓએ સમગ્ર સંપ્રદાયમાં છતરાયું (છતું) કર્યું. ભગતજીની જેમ દેહની પરવા તજી સંસ્થા, સિદ્ધાંત અને સત્પુરુષના મહિમાનું પ્રવર્તન કરીએ તે મોટામાં મોટી સેવા છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!