બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ
12 views
Content
2 of 5
અનુવૃત્તિ એ જ ભક્તિ
Original
1 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
એક વાર ગુણાતીતાનંદ સ્વામી સંતો હરિભકતોને લઇ સાંખડાવદરના બીડ તરફ જવા નીકળ્યા. રસ્તામાં માળિયામાં રોકાયા. જમ્યા પછીની બાર વાગ્યાની કથા ચાલતી હતી. તે સમયે મંદિરના આંબાવાડિયામાં સુકાતા આંબા જોઇ સ્વામી બોલ્યા, “આ આંબા પાણી વગર સૂકાય છે.”
ત્યાં ઉપસ્થિત ઘણાએ સ્વામીના આ શબ્દો સાંભળ્યા. પણ કોઈને આ શબ્દોનો મર્મ પકડાયો નહિ. પરંતુ ભગતજી તરત જ સ્વામીની અનુવૃત્તિ સમજી ગયા. ઘણી વખત અનુવૃત્તિ સમજી શકાય પણ તેના પાલનમાં ઘણો ભીડો પડે તેમ હોય તો અનુવૃત્તિ પાળી શકાતી નથી. આપણે હોઈએ તો કહીએ કે, ‘હા, સ્વામી! આ અત્યારે ઉનાળો છે અને પાણીની થોડી તકલીફ છે એટલે સુકાય.’ બળિયા હોઈએ તો કહીએ કે આ વાડી સંભાળનારનું મેનેજમેન્ટ બરાબર નથી. અને એમ કહી શું-શું કરી શકાય તેનું આખું લિસ્ટ આપી દઈએ. અને ધારો કે આપણને સીધી આજ્ઞા થાય તો આપણે મદદમાં ૧૫-૨૦ માણસો માંગીએ.
અહીં ૩૦૦ આંબાને પાણી પાવાનું હતું. ફક્ત સ્પ્રીન્ક્લર ચાલુ કરી દેવાનું ન હતું. દેગડા પણ શોધવાના હતા અને નદીમાંથી જાતે દેગડા ભરીને પ્રત્યેક આંબાને પાણી પાવાનું હતું. દેહનો અતિશય ભીડો પડે તેમ હતો. પણ ભગતજીને સ્વામીને રાજી કરવાનો ખપ હતો તો સ્વામીએ સીધી આજ્ઞા નહોતી કરી છતાં પણ ભગતજી મહારાજ ભીડાને સહર્ષ સ્વીકારી સ્વામીની અનુવૃત્તિના પાલનમાં જોડાઇ ગયા.
ભગતજી કોઈને કહ્યા વગર જાતે બે દેગડા શોધી નદીમાંથી પાણી ભરી-ભરીને લાવવા માંડ્યા. દરેક આંબાને ચાર-ચાર દેગડા પાણી પાયું. આ રીતે એક ઘડી દિવસ બાકી રહ્યો ત્યાં સુધીમાં ૩૦૦ આંબાને પાણી પાયું. ઉતાવળથી જાય અને પાણીના દેગડા ભરીને આવે એમાં ભગતજીના બધાં વસ્ત્ર પલળી ગયા.
આ પ્રસંગ ઉપર થોડો વિચાર કરીએ તો ખ્યાલ આવે એમ છે કે ગુણાતીતાનંદ સ્વામીની એક અનુવૃત્તિના પાલન માટે ભગતજીએ કેટલો ભીડો વેઠ્યો! ૧૫ લિટરનો એક દેગડો હોય તો ૧ આંબાને ૬૦ લિટર પાણી પાયું. ૩૦૦ આંબાને કુલ ૧૮૦૦૦ લિટર પાણી પાયું. ધારો કે બે આંબા વચ્ચે ૧૦ ફુટનું અંતર હોય અને નજીકના આંબાથી નદીનું અંતર ધારો કે ૫૦ ફૂટ ગણીએ. એક સાથે બે દેગડા પાણી ભરીને આવે. તો ગણતરીના આધારે આશરે ૪૪ કિ.મી.નું અંતર ભગતજીએ કાપ્યું હશે! હવે બપોરે ૧૨ વાગે સ્વામીએ આ વાત કરી કે આંબા સુકાય છે ને ભગતજીએ પાણી પાવાનું શરું કર્યું. સેવા પતાવી સાંજે આશરે સાડા છ વાગે સભામાં ભગતજી પહોંચ્યા. એટલે કે સાડા છ કલાકમાં ૪૪ કિ.મી.નું અંતર ભરેલા પાણીના દેગડા સાથે! એટલે ૧ કલાકમાં ૬.૫ કિ.મી.!! કેટલી ત્વરાથી ભગતજીએ સેવા કરી હશે! આવી ત્વરા સત્પુરુષની આજ્ઞા પાળવામાં હોય ત્યારે બ્રહ્મરૂપ થવાય!
ભગતજીની આવી સેવા જોઈ ગુણાતીતાનંદ સ્વામી રાજી થકાં બોલ્યા, “મારી અનુવૃત્તિ અને રાજીપા સારું એણે દેહને ગણ્યું નથી અને ફક્ત મને જ રાજી કરવો એ જ ઈશક છે. તેથી મારો ઘણો રાજીપો એના ઉપર થયો છે.”
‘ભક્ત્યાનુવૃત્યા’ – ‘અનુવૃત્તિ એ જ ભક્તિ’ આ ભક્તિસૂત્રનું અક્ષરશ: પાલન ભગતજી મહારાજે જીવનભર કર્યું હતું.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!