અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી
68 views
Content
1 of 12
દર્શનનો ખપ
Original
32 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ચોમાસાની ઋતુ હતી. ધીરો ધીરો વરસાદ પડતો હતો. કૃષ્ણપક્ષની એ રાત્રે ચોતરફ મંદ શીતળ હવા પ્રસરી રહી હતી. શ્રીજીમહારાજ સભા ભરીને બેઠા હતા. સૌ સંતો શ્રીહરિની અમૃતવાણીનું રસપાન કરી રહ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી તો ચકોર જેમ ચંદ્રને નીરખે તેમ શ્રીજીમહારાજના દર્શનમાં તન્મય થઈ ગયા હતા. કથા પૂરી કરી મહારાજ દરબારમાં બાઈઓને વાતો કરવા પધાર્યા. સંતો સૌ વિખરાયા ને પોત-પોતાને સ્થાને જવા લાગ્યા.
મધરાત સુધી મહારાજનો લાભ લેવા છતાં ગુણાતીતાનંદ સ્વામીને હજુ દર્શનથી તૃપ્તિ થઈ નહોતી. તેથી તેઓ ભણનારા સાધુના ઓરડાની ભીંતે, નેવા નીચે ઊભા રહી મહારાજની પ્રતીક્ષા કરતા હતા. એટલામાં મુક્તાનંદ સ્વામી કોઈ કારણસર ઓરડાની બહાર આવ્યા અને અંધારામાં નેવાં નીચે કોઈ સંતને ઊભેલા જોઈ તેઓએ પૂછ્યું: ‘એ કોણ ત્યાં ઊભું છે?’ ત્યારે સ્વામીએ કહ્યું: ‘એ તો હું ગુણાતીતાનંદ છું.’ એટલે મુક્તાનંદ સ્વામીએ ફરી પૂછ્યું: ‘અત્યારે મોડી રાત્રે ત્યાં કેમ ઊભા રહ્યા છો? જાઓ હવે સૂઈ જાઓ.’ તે સાંભળી સ્વામીશ્રી મુક્તાનંદ સ્વામીની નજીક આવ્યા અને હાથ જોડી કહ્યું: ‘મહારાજ દરબારમાં વાતો કરવા પધાર્યા છે. હમણાં ઉતારે પોઢવા પધારશે, તેથી દર્શન ક૨વાના લોભથી ઊભો છું.’ આ સાંભળી મુક્તાનંદ સ્વામી તો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા! મનોમન વિચારવા લાગ્યા કે, ‘અહો! અતિ શ્રદ્ધાળુ પુરુષ! નથી દેહની પડી કે નથી નિદ્રાની!’ એટલું વિચારી પોતે ઓરડામાં પોઢવા પાછા ગયા.
પરંતુ આસને બેસીને વિચાર કરવા લાગ્યા કે, ‘અહો! આ સાધુ મારી પાસેથી થોડા જ સમયમાં ધ્યાનનો પ્રબળ અભ્યાસ કરી, શ્રીજીમહારાજની મૂર્તિનાં અંતરમાં અખંડ દર્શન કરે છે. છતાં પણ પ્રત્યક્ષ મહારાજની મૂર્તિનાં દર્શન માટે કેટલી આતુરતા છે!’ આ પ્રમાણે સ્વામીના જ વિચારમાં મુક્તાનંદ સ્વામીની રાત વીતી. ગુણાતીતાનંદ સ્વામી તો ત્યાં અર્ધભીંજાયેલી સ્થિતિમાં લગભગ બે કલાક ઊભા રહ્યા. મોડી રાત્રે જ્યારે મહારાજ દરબારમાંથી પોઢવા માટે અક્ષર ઓરડીમાં પધારવા નીકળ્યા, ત્યારે અંધારામાં લબકઝબક દર્શન કરી સ્વામી ગામ બહાર એક વૃક્ષના થડની ઓથે જઈને પોઢી ગયા.
કોટિ બ્રહ્માંડ ઊડે રોમમાં રે, મૂળ ‘અક્ષર’ અવતાર;
હરિવર અંગોઅંગ મ્હાલતા, તોય નીરખ્યા પલવાર;
ઊભા અક્ષરબ્રહ્મ ભીંજતા...
જેઓના રૂંવાડે રૂંવાડે અનંત કોટિ બ્રહ્માંડો ઊડતાં ફરે છે અને જેઓએ શ્રીહરિને અંગોઅંગમાં ધારણ કર્યા છે, છતાં પ્રગટ મૂર્તિના દર્શનની કેવી તાણ! પ્રગટના ભક્તોએ પ્રત્યક્ષ ગુરુહરિના દર્શનનો કેવો ખપ રાખવો જોઈએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગુણાતીતાનંદ સ્વામી.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!