અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી
68 views
Content
2 of 12
દૃષ્ટિનો સંયમ
Original
4 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સંવત ૧૮૬૯ની સાલમાં કાઠિયાવાડમાં ભયંકર દુકાળ પડ્યો હતો. દુકાળના ભારને હળવો કરવા મહારાજે મુક્તાનંદ સ્વામીને બસો સંતોના મંડળ સાથે સુરત મોકલ્યા હતા. આ મંડળમાં ગુણાતીતાનંદ સ્વામી પણ હતા. સંતોના ઉતારાની સામે ખંડિયેર મકાનમાં એક નીલ વાંદરું કોઈએ બાંધેલું હતું. વાંદરાની ચંચળતાથી સહેજે જ સૌની દૃષ્ટિ તેની ઉપર પડતી.
એક રાત્રે કથાપ્રસંગે, મુક્તાનંદ સ્વામીએ સૌ સંતોને કહ્યું: ‘જુઓ! આપણી ઇન્દ્રિયો કેટલી બધી ચંચળ છે! આપણને હંમેશાં તે છેતરે છે. સામેના મકાનમાં એક વાંદરું છે. તે તરફ દૃષ્ટિ કરવાની આપણે કાંઈ જરૂર નથી, છતાં આપણામાંથી કોઈ પણ એ વાંદરું જોયા વગર નહીં રહ્યા હોય. જેમણે એ ન જોયું હોય તે ઊભા થાય.’ મુક્તાનંદ સ્વામીનું એ વચન સાંભળીને સૌ સંતો સ્તબ્ધ થઈ ગયા! આ સમયે તે બસો સંતોમાંથી ફક્ત એક ગુણાતીતાનંદ સ્વામી હાથ જોડીને ઊભા થયા. તે જોઈને મુક્તાનંદ સ્વામી અતિશય આશ્ચર્ય પામ્યા અને કહ્યું: ‘અહો! બસો સાધુમાં વૃત્તિના નિરોધવાળા (સંયમવાળા) એક તમે જ નીકળ્યા. મારી પોતાની પણ દૃષ્ટિ તે તરફ ગઈ છે.’
ગુણાતીત સત્પુરુષો તો અનાદિ સિદ્ધ છે છતાં આ લોકમાં એવી રીતે વર્તે છે કે જાણે આદર્શ સાધક હોય. તેઓ આપણને સાધનાનો આદર્શ પૂરો પાડે છે. આધ્યાત્મિક માર્ગમાં દૃષ્ટિના સંયમથી ધર્મ-નિયમની દૃઢતા વધે છે. આપણી આંતરિક શક્તિઓ ઊજાગર થાય છે અને મન એકાગ્ર થાય છે. સૌથી મોટો લાભ તો એ કે આપણું સ્વામીબાપા સાથેનું જોડાણ વધે છે. જ્યારે આપણે ગુરુવર્યો સામે જોઈએ ત્યારે સહેજે અંતર્દૃષ્ટિ થાય છે કે શું મારા જીવનમાં દૃષ્ટિનો એવો સંયમ છે? શું મારી આંખો નિયમની પાળ ઊલંઘે છે? નિયમલોપથી મારી ઉપર સ્વામીબાપા રાજી થશે? આ પ્રશ્નોના પ્રામાણિક જવાબો આપણને આપણી વાસ્તવિક પરિસ્થિતિના દર્શન કરાવે છે.
યાદ રહે કે આપણી દૃષ્ટિ ગુરુ ઉપર હોય કે ન હોય પરંતુ ગુરુની દૃષ્ટિ તો સતત આપણી ઉપર છે જ! અંતર્યામીથી કશું અજાણ નથી. આટલું અનુસંધાન પણ દૃષ્ટિનો સંયમ કેળવવામાં ખૂબ મદદરૂપ નીવડશે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!