અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી
68 views
Content
8 of 12
માન-અપમાન મેં એકતા
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સંવત ૧૯૨૨ની સાલમાં ચૈત્રી પૂનમના સમૈયા ઉપર ગુણાતીતાનંદ સ્વામી વરતાલ પધાર્યા હતા. ‘ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે’ એ વાતનો પ્રચાર સ્વામીની ઇચ્છાથી સત્સંગમાં પ્રાગજી ભક્તે શરૂ કર્યો હતો. આ વાત કેટલાકને રુચતી નહીં. એટલે આ સમૈયામાં સૌએ ગુણાતીતાનંદ સ્વામીને ઠપકો દેવાનું નક્કી કર્યું હતું.
પૂનમના દિવસે સવારની સભામાં શુકમુનિના શિષ્ય હરિસ્વરૂપદાસજીની શિખવણીથી ગઢડાના કરુણાનંદ બ્રહ્મચારીએ કહ્યું કે, ‘આ ગુણાતીતાનંદ સ્વામી પણ પ્રભુ થયા છે અને ભગવાનની જેમ લોકો તેમની પૂજા કરે છે. તેમના નખ, કેશ વગેરે પૂજે છે. તેમને કેમ કોઈ કાંઈ કહેતું નથી? તે સાંભળી શુકસ્વામીએ કહ્યું: ‘સ્વામી! તમે કેમ કાંઈ તજવીજ રાખતા નથી? તમારે ત્યાં જૂનાગઢમાં અનેક ઉપાધિઓ ઊપજે છે તેમાં શું તમારી મરજી છે?’ એટલું કહીને તેમણે સભાને સંબોધતાં કહ્યું, ‘મને કોઈ શુકજી કહેશો નહીં.’ પછી સ્વામીશ્રી તરફ ફરીને કહ્યું: ‘અને, સ્વામી! તમને બધા અક્ષર માને છે તે તમે અક્ષર મનાવશો નહીં.’ છોતેરાનો મેહ વરસે તેમ અપમાનની ઝડી વરસી રહી હતી. સ્વામીએ તો સ્વસ્થચિત્તે બધું સાંભળી લીધું. પછી ધીરગંભીર સ્વરે બોલ્યા કે, ‘પ્રભુ તો એક શ્રીજીમહારાજ છે, બીજા કોઈથી પ્રભુ થવાશે નહીં. આપણે તો સાધુ છીએ. પરંતુ જેટલામાં રાજાનું રાજ્ય, તેટલામાં રાણીનું રાજ્ય હોય. જેવો રાજાનો હુકમ ચાલે, તેવો રાણીનો હુકમ પણ ચાલે અને જેવો ભગવાનનો પ્રતાપ, તેવો સાધુનો પણ પ્રતાપ કહેવાય.’ આ સાંભળી કોઈ કાંઈ બોલી શક્યા નહીં.
શ્રીહરિના પરમ એકાંતિક સંતનું ભરસભામાં આવું અપમાન જોઈ સીંજીવાડાના પ્રભુદાસે ઊભા થઈને સભામાં પડકાર કર્યો કે, ‘આ રીતે સ્વામીને કહેવામાં શું કોઈની લાયકાત છે?’ એટલામાં કોઈ આચાર્ય ભગવત્પ્રસાદજી મહારાજને બોલાવી લાવ્યું અને શણગાર આરતીનો ડંકો વાગ્યો એટલે સૌ આરતીનાં દર્શને ગયા. સ્વામી આચાર્ય મહારાજ સાથે મંદિરમાં દર્શને પધાર્યા. દર્શન કરી ઊતરતા હતા ત્યાં સામે માળી ગુલાબનો હાર અને ગજરા લઈને ઊભો હતો. આચાર્ય મહારાજની આજ્ઞાથી માળીએ ગુલાબનો હાર સ્વામીને પહેરાવ્યો. આચાર્ય મહારાજ ઉતારે પધાર્યા. સ્વામી સાધુની ધર્મશાળામાં જતા હતા, ત્યાં સામે શુકમુનિના શિષ્ય હરિસ્વરૂપદાસ મળ્યા, એટલે સ્વામીએ પોતાની કોટમાંથી હાર કાઢી તેને પહેરાવ્યો અને બોલ્યા:
હળદી જરદી નવ તજે, ખટરસ તજે ન આમ;
ગુણીજન ગુણકો નવ તજે, અવગુણ ન તજે ગુલામ.
એમ કહી સ્વામી આગળ ચાલ્યા. ત્યાં અદ્ભુતાનંદ સ્વામી, શુકસ્વામી તથા પવિત્રાનંદ સ્વામીએ પોતાને આસને બોલાવી ગુણાતીતાનંદ સ્વામીની પૂજા કરી, ધોતિયાં ઓઢાડ્યાં અને સાકરનો પડો મૂકીને કહ્યું: ‘સ્વામી! અમારું બોલ્યું માફ કરજો.’
માન-અપમાનના આવા પ્રસંગોમાં પણ સ્વામીની આવી સ્થિરતા જોઈ સદ્ગુરુઓને પ્રતીતિ થતી કે સ્વામી ‘ગુણાતીત’ ખરા!
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!