અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી
68 views
Content
12 of 12
સ્વામી! તમે પંડે અક્ષર?
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી વરતાલ સમૈયો કરી ફરતાં ફરતાં સારંગપુર આવ્યા. અહીં વાઘાખાચરને ઘેર સ્વામીનો મુકામ હતો. એક દિવસ વાઘાખાચરે સ્વામીને પ્રશ્ન પૂછ્યો: “સ્વામી! શ્રીજીમહારાજે કારિયાણીના ૧૨મા વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન એ સિવાય કારણ શરીરરૂપી મૂળ અજ્ઞાન ટળતું નથી, પણ હજુએ રાત્રે હું ઊંઘમાં જાઉં છું ત્યારે સ્વપ્નમાં એમ દેખાય છે કે જાણે ધીંગાણે ચઢ્યા હોઈએ (લડાઇમાં ગયા હોય) અને હાથ-પગ કપાણાં છે, એવા સ્વપ્નરૂપી સૂક્ષ્મ દેહના ભાવ હજુ ટળતા નથી તો કારણ દેહના ભાવ તો ક્યારે ટળશે? અને મહારાજના અક્ષરધામમાં કારણ શરીરના ભાવ ટાળ્યા સિવાય શી રીતે જઈને રહેવાશે? એવા સંકલ્પ થયા કરે છે.’ એ સાંભળી ગુણાતીતાનંદ સ્વામી હસ્યા અને કહ્યું: ‘વાઘાખાચ૨! સૂક્ષ્મ અને કારણ શરીરના ભાવ ટાળવા હોય તો જૂનાગઢ આવો ત્યાં તમારા એ બધા ભાવ ટાળી નાખીશું.’
ત્યારે તેમણે સ્વામીને કહ્યું: “સ્વામી! મારે તો ભેગો એક ચાકર જોઈએ. તે ગરમ પાણી કરી આપે, મારા પગ દાબે અને મારો ખડિયો ઉપાડે. તે જો મળે તો હું આવું.’
ત્યારે સ્વામીએ કહ્યું : ‘આ પ્રાગજી તમારો સેવક. આ લોક અને પરલોકની બધી સેવા એ કરશે. તેની સાથે ચાલજો અને તેની વાતો સાંભળજો.’ સારંગપુરથી સ્વામી ચાલ્યા અને ગઢડે પધાર્યા. રસ્તામાં વાઘાખાચરની સેવા કરતાં કરતાં ભગતજી તેમને વાતો પણ કરતા.
એક વખત વાતવાતમાં ભગતજીએ તેમને ‘ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે’ એવું કહ્યું. તેથી વાઘાખાચર ભડક્યા અને કહ્યું: ‘પ્રાગજી! આવી વાત મારી આગળ કરીશ નહીં.
પછી તો વાઘાખાચરે સ્વામીને ફરિયાદ કરી: ‘સ્વામી! આ પ્રાગજી તો તમને ‘મૂળ અક્ષર’ કહે છે.’ એ સાંભળી સ્વામી મોંએ રૂમાલ દઈ હસ્યા અને કહ્યું: ‘એ તો ગાંડો છે. એની જોડ હવે રાખશો નહીં.’ પછી ગઢડાથી વાંકિયા સુધી ચાલ્યા, પણ વાઘાખાચરને જોડ વગર ન ફાવ્યું. તેથી તેમણે સ્વામીને કહ્યું: ‘સ્વામી! સેવક વગર ફાવતું નથી.’ ત્યારે સ્વામીએ કહ્યું: ‘પ્રાગજીની જોડ બાંધી આપી છે તે રાખશો અને ન ફાવે તો તેની વાતો સાંભળશો નહીં.’ ન છૂટકે વાઘાખાચરે ભગતજીની જોડ રાખી અધૂરી મજલ કાપી. વળી, રસ્તામાં એક-બે વખત તો ભગતજીએ ‘સ્વામી મૂળ અક્ષર છે એમ સમજશો ત્યારે જ કારણ દેહના ભાવ ટળશે’ એવી વાત વાઘાખાચરને કરી જ દીધી. જે તેઓને બિલકુલ રુચિ નહીં. એમ કરતા ચાલતાં-ચાલતાં સંઘ સાથે જૂનાગઢ પહોંચ્યા.
અહીં જૂનાગઢમાં વાડીમાં સ્વામીની આજ્ઞાથી સર્વે હરિભક્તો કાંકરા વીણવાની સેવા કરતા હતા. મહુવા મંડળ તો ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપની જ વાતો કરતું હતું. આ વાતો કરતાં તે સૌના અંતરનો આનંદ મુખારવિંદ પર છલકાતો હતો. તે જોઈ વાઘાખાચરે વિચાર્યું: ‘આ બધાને આનંદ આવે છે એવો આનંદ મને કેમ નથી આવતો?’ એ વાત તેમણે દામા શેઠને કહી. ત્યારે દામા શેઠે કહ્યું: ‘તમે આ પ્રાગજી ભગતમાં વિશ્વાસ લાવી ‘સ્વામી મૂળ અક્ષર છે’ એમ સમજો, તો તમને પણ આનંદ થાય.’ ત્યારે વાઘાખાચરે કહ્યું: ‘એ તો ભલે, હું સમજું. પણ સ્વામી પંડે કહે તો હું માનું.’ તે વાત દામા શેઠે ભગતજીને કહી; એટલે ભગતજીએ ધ્યાનમાં બેસી વૃત્તિએ કરીને ગુણાતીતાનંદ સ્વામીને તેડાવ્યા.
સ્વામી સભામંડપમાંથી એક સાધુનો હાથ પકડી વાડીમાં આવ્યા અને પૂછ્યું: ‘પ્રાગજી! મને કેમ બોલાવ્યો?’’ તે સાંભળી ભગતજી કહે: “સ્વામી! આ વાઘાખાચરને આપને પ્રશ્ન પૂછવો છે.’ ત્યારે સ્વામીએ વાઘાખાચરને કહ્યું : ‘પૂછો જે પૂછવું હોય તે.’
એટલે વાઘાખાચરે કહ્યું: ‘સ્વામી! આ પ્રાગજી કહે છે કે આપ પોતે મૂળ અક્ષર છો. તે વાતનું નિરાકરણ કરી આપો.’ ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે: ‘જેમ પ્રાગજી કહે છે તેમ જ છે.’ તે સાંભળીને વાઘાખાચરે પૂછ્યું: ‘સ્વામી! તમે પંડે (પોતે) અક્ષર?’ એટલે સ્વામીએ હસીને મુખ હલાવી સંમતિ દર્શાવી. આથી વાઘાખાચરને પરમ આનંદ થઈ ગયો અને નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ. સુષુપ્તિ અવસ્થા જ મટી ગઈ! મહારાજની મૂર્તિ સાથે ગુણાતીતાનંદ સ્વામીને અખંડ જુએ એવી અલૌકિક સ્થિતિ તેમની થઈ ગઈ. એમ ભગતજી મહારાજે તેઓને સ્વામીના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરાવી દીધો.
ગુરુહરિ મહંતસ્વામી મહારાજે પણ આપણને ઘણા પ્રસંગોએ પોતાની ઓળખ આપતાં જણાવ્યું છે કે તેઓ ‘અક્ષર’ છે. જો આપણને પણ તેઓના આ પારલૌકિક સ્વરૂપમાં દૃઢ નિશ્ચય થઈ જાય તો છતી દેહે આપણને અક્ષરધામનો અનુભવ થઈ જાય!
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!