અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી
68 views
Content
3 of 12
મારે તો પણ મીઠાં ફળ દે
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કૃપાનંદ સ્વામીના મંડળમાં વિચરણ કરતા હતા. એક વખત આ સંતમંડળ ફરતું ફરતું શેત્રુંજી નદીના કાંઠે સાવર ગામમાં પધાર્યું. નદીકાંઠે ઉતારો કરી સંતો ગામમાં ઝોળી માંગવા ગયા. આ અરસામાં સ્વામિનારાયણના સાધુઓને હલકા પાડવા માટે દ્વેષીઓ તેમને ‘મુંડિયા’ કહી હડધૂત કરતા. આ સંતોની સાધુતામાં કહેવાતા ભેખધારીઓને પોતાની માનહાનિ અને આજીવિકાનો નાશ દેખાતો. તેથી સર્વત્ર આ સંતો વિરુદ્ધ તેઓએ વિરોધનું વાવંટોળ જગાડ્યું હતું. જેનો પવન આજે સાવર ગામમાં પણ ફૂંકાયો. સાવર ગામનો ગરાસદાર ઊગો ખુમાણ ભેખના શબ્દોથી ભરમાઈને સત્સંગનો કટ્ટર દ્વેષી બની ગયો હતો. તેણે પોતાના નોકરોને હુકમ કર્યો કે, ‘આ બાવાઓને ગામની બહાર કાઢી મૂકો. છોકરાં ભેગા કરી તેમની પાછળ વહેતા મૂકો. ધૂળ, છાણાં ને પથરાનો વરસાદ તેમના ઉપર વરસાવો.’
દરબારનો હુકમ થતા જુવાન છોકરાંઓનું ધણ(ટોળું) સાધુઓ પાછળ દોડ્યું. હાથમાંથી ઝોળીઓ આંચકી લીધી. પથરા, છાણાં અને ધૂળનો વરસાદ તેમના ઉપર કર્યો. બાવળની કાંટાળી સોટીઓથી નિર્દોષ સાધુઓને નિર્દય રીતે મારી, લોહીલુહાણ કરી ગામ બહાર કાઢી મૂક્યા.
કીડી જેવા જીવને પણ કદી ન દુખવતા સાધુઓની આવી કરુણ દશા થઈ. સંતો નદીકાંઠે ઝાડની ઓથે આવીને બેઠા. ભૂખના દુઃખથી અને મારથી ટેવાયેલા આ સંતો તો આનંદથી ‘સ્વામિનારાયણ’નું ભજન કરતા હતા. પરંતુ અસહ્ય મારની પીડાથી અમુક સંતોના મુખેથી સિસકારા નીકળી જતા. આ જોઈ નદીએ ઢોર પાવા આવેલા ભરવાડો અને પાણી ભરવા આવેલી સ્ત્રીઓ ચર્ચા કરવા લાગી કે, ‘દરબાર કેવો નિર્દય છે. બિચારા સાધુઓને મારીને કાઢી મૂક્યા. ભિક્ષા પણ લેવા દીધી નહીં. એવા ને ત્યાં દીકરો તે ક્યાંથી હોય!’ આ શબ્દો સંતોને કાને પડ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ સૌ સંતોને કહ્યું: ‘દરબારનો દ્વેષ તો અણસમજણનો છે. આપણે તેને ઘેર દીકરો થાય તેવો સંકલ્પ કરીએ, તે દીકરાના પ્રસંગથી દરબારગઢમાં સંતોની ઝોળીઓ ટીંગાય.’ સંતોએ દરબારના ઘેર પારણું બંધાય તે માટે ધૂન કરી. જેમ ઝાડ પર પથરા નાખે તોય મીઠાં ફળ જ આપે, તેમ સંતોને માર્યા તોયે પરોપકારી સંતોએ બદલામાં દરબારને દીકરો આપ્યો.
આગળ જતાં ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી ઊગા ખુમાણને ત્યાં જીવણા ખુમાણ નામે દીકરાનો જન્મ થયો. ફરીવાર સ્વામી એ ગામમાં પધાર્યા ત્યારે જીવણો ગુણાતીતાનંદ સ્વામીનો હાથ પકડીને સ્વામી સહિત સૌ સંતોને દરબારમાં લઈ આવ્યો. સીધુ મંગાવી રસોઈ આપી. આ પ્રસંગે ઊગા ખુમાણની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ સરી પડ્યા. સ્વામીએ તેના ગુના માફ કરી નિત્ય સ્વામિનારાયણ નામની પાંચ માળા કરવા આદેશ આપ્યો.
શિક્ષાપત્રીમાં શ્રીહરિએ કરેલ આજ્ઞા, ‘... કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય તેવો તો સંકલ્પ પણ ન કરવો.’, ગુણાતીતાનંદ સ્વામીની જીવનશૈલીમાં સહજ જોવા મળતી.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!