અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી
68 views
Content
10 of 12
અનોખી માનતા
Original
4 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
દર વર્ષના નિયમ પ્રમાણે એક વાર ગુણાતીતાનંદ સ્વામી ઊના વિચરણ અર્થે ગયા હતા. આ જ અરસામાં કોમી અથડામણને કારણે ઊનાના શેઠિયા વલ્લભજીભાઈ, કરમચંદભાઈ તથા અન્ય લોકો ઊનાથી હળિયાદ સ્થળાંતર થઈ ગયા હતા. વલ્લભજી શેઠના ભાઈ કલ્યાણજી શેઠ સ્વામી સાથે વિચરણમાં હતા. તેમણે સ્વામીને શેઠિયાઓની વ્યથા રજૂ કરતાં કહ્યું, “સૌ શેઠિયા હળિયાદ આવીને રહ્યા છે. તે જો અહીં ઊના આવે તો આબરૂ જાય એમ છે અને ભાવનગર રહેવા જાય તો અહીં આ દેશમાં લાખો રૂપિયાની ઉઘરાણી બાકી છે તે મોટી ખોટ જાય. માટે ભારે સંકટ આવ્યું છે.”
સ્વામીએ ધીરજ આપતાં કહ્યું, “અમે કહીએ એમ કરો તો બધું દુ:ખ મટી જાય.”
“આપ કહેશો એમ કરીશું. આપ કહો તો રાધારમણદેવને ચાંદીનાં કમાડ, હિંડોળો વગેરે કરાવવાની માનતા રાખીએ.” કલ્યાણજી શેઠે કહ્યું.
શેઠની વાતથી સ્વામી હસ્યા અને કહ્યું, “અમારે એ માનતા કરાવવી નથી. પણ અમારા વચને શ્રીજીમહારાજને સર્વોપરી સમજવાની માનતા કરો અને બીજાને સમજાવવાની માનતા કરો તો તમારું સર્વ દુ:ખ તત્કાળ ટળી જાય.”
સ્વામીની વાત સાંભળી કલ્યાણજી શેઠે આશ્ચર્ય સાથે કહ્યું, “સ્વામી! સર્વોપરી પુરુષોત્તમ નારાયણને સમજવાની આવી માનતા તે તો તદ્દન નવી કહેવાય. એમાં તો અમારે માટે તો મુક્તિ અને ભુક્તિ બંને આવી ગયાં. માટે આજથી અમે મહારાજને સર્વોપરી સમજીશું અને બીજાને પણ એ સર્વોપરી સ્વરૂપ સમજાવીશું.”
સ્વામીના વચને શેઠિયાઓએ મહારાજનું સર્વોપરીપણું સમજવાની માનતા રાખી તો થોડા સમયમાં જ નવાબે સામેથી સૌને બોલાવ્યા અને વાજતે-ગાજતે સામૈયું કર્યું. બધાનું દુ:ખમાત્ર ટળી ગયું. દેશકાળને લઈને સમજણમાં જે ખામી આવી ગઈ હતી તે સ્વામીના વચને ટળી ગઈ અને શ્રીજીમહારાજના સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા દૃઢ થઈ ગઈ.
ગુણાતીતાનંદ સ્વામીનું સૌથી મોટું કાર્ય હોય તો એ હતું – ભગવાન સ્વામિનારાયણના સર્વોપરીપણાનું પ્રવર્તન. જો ગુણાતીતાનંદ સ્વામી ન પ્રગટ્યા હોત તો સ્વામિનારાયણ ભગવાનને લોકો અવતાર સમાન જ માની લેત. પરંતુ મહારાજની સર્વોપરી ઉપાસના સત્સંગમાં ગુણાતીતે પ્રવર્તાવી.
શ્રીજીમહારાજ સાથે વર્ષો સુધી ભેગા રહેલાઓને પણ મહારાજનું યથાર્થ સ્વરૂપ ઓળખવામાં ખામી રહી ગઈ હતી. તે ખામી ગુણાતીતે ટાળી. ૧૧૬ વર્ષના આત્માનંદ સ્વામીને જ્યારે મહારાજનું સર્વોપરીપણું ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવ્યું ત્યારે મહારાજ તેમને ધામમાં તેડી ગયા. મહારાજના ભાઈ રામપ્રતાપભાઈ, મહારાજના જમણા હાથ સમાન શુકાનંદ સ્વામી, સત્સંગની મા ગણાતા મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે અનેકને મહારાજની સર્વોપરી નિષ્ઠા ગુણાતીતાનંદ સ્વામીએ દૃઢ કરાવી હતી.
શ્રીજીમહારાજના યથાર્થ સ્વરૂપની વાતો જેવી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે તેવી બીજા કોઈ પરમહંસોએ કરી નથી. તેથી જ કહેવાયું છે,
સંપૂર્ણ મહિમા શ્રીજીનો ને પતિવ્રતાની ટેક,
પેખો સંતો પાંચસો, પણ ગુણાતીત તો એક.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!