અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી
68 views
Content
6 of 12
બ્રાહ્મીસ્થિતિના ઘડવૈયા
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
એક વખત જન્માષ્ટમીનો સમૈયો કર્યા પછી ગુણાતીતાનંદ સ્વામી સોરઠ દેશમાં રઘુવીરજી મહારાજ સાથે વિચરણ માટે નીકળ્યા. રસ્તામાં રઘુવીરજી મહારાજે પેંડાની કોથળી કાઢીને એક પેંડો સ્વામીશ્રીને આપતાં કહ્યું: ‘આપણે મુકામે પહોંચતાં મોડું થશે. માટે આ પેંડો જમો.’
એટલે સ્વામીશ્રીએ પેંડો પાછો આપીને કહ્યું: ‘આપ આમ કરશો તો અમારે ને તમારે ભાઈબંધાઈ નભશે નહિ.’
પરંતુ રઘુવીરજી મહારાજે બહુ આગ્રહ કરીને કહ્યું: ‘અડધો તો જમો.’ એટલે સ્વામીશ્રીએ અડધા પેંડાના બે ભાગ કર્યા. તેમાંનો અર્ધો ભાગ જાગા ભક્તને આપ્યો અને અરધો હાથમાં લઈ થોડી વાર વિચારી રહ્યા ને પછી બોલ્યા, ‘પાંચસો પરમહંસ ગળું ઝાલીને કહે છે ઝેર છે, ખાઈશ નહીં.’
સ્વામીશ્રીનો આવો ત્યાગ-વૈરાગ્ય જોઈને રઘુવીરજી મહારાજે સ્વામીશ્રીને કહ્યું: ‘આપ આવી રીતે વર્તો છો તો અમારા શા હાલ થશે?’ ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે, ‘આપ તીર્થવાસી થઈને જૂનાગઢ આવો. જો હું તમારી ગ્રંથિઓ ગાળી ના નાખું તો હું ગુણાતીત નહીં.’
રઘુવીરજી મહારાજે પણ અત્યંત મુમુક્ષુતાથી સ્વામીશ્રીનું આ વચન ઝીલ્યું. સંવત ૧૯૧૭માં ભગવત્પ્રસાદજી મહારાજને ગાદી સોંપી નિવૃત્ત થઈ જૂનાગઢ પધાર્યા. ચોમાસામાં સાડા ત્રણ માસ તેઓ ગુણાતીતાનંદ સ્વામી સાથે તીર્થવાસી થઈને રહ્યા.
રસાસ્વાદ, નિદ્રા વગેરેનો ત્યાગ કરી રઘુવીરજી મહારાજ સ્વામીશ્રીના સમાગમનો અખંડ લાભ લેતા. સવારના મંગળા આરતી વખતે તૈયાર થઈ કથામાં આવી જતા અને શણગાર આરતી સુધી કથા સાંભળતા. પછી ઉતારે પધારી ખીચડી અથવા બાટી ને મગની દાળ ઝટ-ઝટ બનાવીને વળી કથામાં બેસી જતા. બપોરે ભોજન પછી પણ આરામ ન લેતાં સભામાં પધારી ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળતા.
તેમની આવી દૃઢ શ્રદ્ધા અને નિર્માનીપણું જોઈ સ્વામીશ્રીએ તેમને લક્ષ્યમાં રાખી સર્વોપરી નિષ્ઠા, એકાંતિક ધર્મ વગેરેની અદ્ભુત વાતો કરી પોતાના સંબંધે ગુણાતીત કરી દીધા. તેથી જ સ્વામીશ્રી કહેતા કે, ‘આખા વરતાલમાં એક રઘુવીરજી મહારાજે મને ઓળખ્યો.’ ‘મને ઓળખ્યો’ એટલે સ્વામીશ્રી અક્ષરબ્રહ્મનો અવતાર છે એ નિષ્ઠા તેમને થઈ ગઈ!
આ બાબતની ખાતરી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વરતાલના કોઠારી ગોરધનભાઈ પાસે કરી હતી. શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું હતું કે, ‘આચાર્ય રઘુવીરજી મહારાજ ગુણાતીતનંદ સ્વામીને ‘અક્ષર’ માનતા એ વાત સાચી છે?’ ત્યારે ગોરધનભાઈએ વિશ્વાસ સાથે કહ્યું કે, ‘સત્તરની સાલમાં (સંવત ૧૯૧૭માં) રઘુવીરજી મહારાજ જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા ગયા ત્યારે સ્વામીરૂપ થઈ ગયા હતા.’
ગુણાતીતાનંદ સ્વામી તેઓની વાતોમાં કહે છે કે, ‘જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહિ.’ તેમ આપણે ગુણાતીત સત્પુરુષનો આશરો તો સ્વીકાર્યો છે, પણ જો તેઓને મન અર્પણ કરી દઈએ, રઘુવીરજી મહારાજની જેમ શ્રધ્ધા અને ખપથી તેઓનો સમાગમ કરીએ તો આપણે પણ બ્રાહ્મીસ્થિતિને પામી જઈએ.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!