ભગવાન સ્વામિનારાયણ
108 views
Content
1 of 14
પ્રાગટ્યના હેતુ
Original
59 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સર્વાવતારી પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. તેઓનું પ્રાગટ્ય અનંત જીવો ઉપરની તેઓની અકારણ કરૂણા જ છે. વચનામૃત ગઢડા પ્રથમ-૭૮માં શ્રીજી મહારાજ કહે છે: “અક્ષરાતીત ને મન-વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે, ‘જ્ઞાની-અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વે મને દેખો,’ એમ ધારીને સત્યસંકલ્પ એવા જે ભગવાન તે કૃપાએ કરીને મૃત્યુલોકના સર્વે મનુષ્ય દેખે એવા થાય છે.” આવા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણના આ પૃથ્વી પરના અવતરણનો હેતુ શો હતો? શ્રીજી મહારાજે પોતે જ પોતાના પ્રાગટ્યના હેતુ જણાવ્યા છે.
સંવત ૧૮૭૭માં દિવાળી-અન્નકૂટ ઉત્સવ ઉજવવા શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા હતા. ત્યારે વડોદરાથી ગોપાળાનંદ સ્વામી મહારાજનાં દર્શને આવ્યા. મહારાજ ઊભા થઈને તેમને ભેટ્યા. પછી અક્ષર ઓરડીમાં લઈ ગયા. ત્યાં ગોપાળાનંદ સ્વામીને પોતાની પાસે બેસાર્યા અને બીજા સંતો તથા હરિભક્તોને બહાર જવાની આજ્ઞા કરી. મહારાજ કાંઈ વિશેષ વાત કરવાના હશે, એમ જાણી નિષ્કુળાનંદ સ્વામી અંદર ગયા. તો મહારાજે તેમને પણ બહાર કાઢ્યા ને ચોકડીના કામ ઉપર ધ્યાન રાખવાનું કહ્યું. પછી અક્ષર ઓરડીના બારણાં બંધ કરાવ્યાં. નિષ્કુળાનંદ સ્વામી જાણવા ઉત્સુક હતા. તેથી બારણે કાન દઈ બેઠા. મહારાજ ગોપાળાનંદ સ્વામીને કહે: “સ્વામી! અમે અમારું અક્ષરધામ અને તમો બધા મુક્તોને લઈને અહીં આવ્યા છીએ. તેનો હેતુ જાણો છો?” ગોપાળાનંદ સ્વામી કહે: ‘ના મહારાજ!’ પછી મહારાજે પોતાના આ પૃથ્વી ઉપર પ્રગટ થવાના છ હેતુઓ ગોપાળાનંદ સ્વામીને કહ્યા:
1) અમારી સર્વોપરી ઉપાસના અને સર્વોપરી જ્ઞાન, તેને આ પૃથ્વી પર પ્રવર્તાવવું.
2) પૂર્વે થઈ ગયેલા અવતારોના ભક્તોને અમારી ઉપાસના અને અમારા સ્વરૂપનો બોધ કરીને ઠેઠ અક્ષરધામમાં પહોંચાડવા.
3) ભક્તિદેવી અને ધર્મદેવને અસુરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી, અમારી મૂર્તિનું સુખ આપવું.
4) ઘણા કાળથી લુપ્ત થયેલો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્યે યુક્ત ભક્તિવાળો એકાંતિક ધર્મ પ્રવર્તાવવો.
5) અનંત કાળથી ભજન-ભક્તિ કરતા અનેક તપસ્વી-યોગીઓને દર્શન દઈ, તપનું-ભક્તિનું ફળ આપવું અને ભગવાનને વિશે પ્રીતિવાળા મુમુક્ષુઓના મનોરથ પૂર્ણ કરવા અને તેમને લાડ લડાવવાં.
6) આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મના ધારક સાધુઓ, ઉપાસના માટે શિખરબદ્ધ મોટાં મંદિરો, અમારાં લીલા-ચરિત્ર, સ્વધર્મજ્ઞાને યુક્ત શાસ્ત્રો કરવાં; અને પરાત્પર વિહદ એવું જે અક્ષરધામ તેને પમાડવા અર્થે પરમ એકાંતિક સંતો દ્વારા આત્યંતિક કલ્યાણનો મોક્ષ માર્ગ આ બ્રહ્માંડમાં સદાય ઊભો રાખવો.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!