ભગવાન સ્વામિનારાયણ
105 views
Content
14 of 14
શ્રીજી મહારાજનું અખંડ પ્રગટપણું
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ કરુણા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા. પોતાના પ્રાગટ્યના એક હેતુ એવા એકાંતિક ધર્મની સ્થાપના તેઓએ માત્ર ત્રીસ વર્ષના ટૂંકા ગાળામાં કરી. મહારાજે હવે પોતાની જીવનલીલા સંકેલવાનો સંકલ્પ કર્યો. અંતિમ મંદવાડમાં મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢથી ગઢડા બોલાવ્યા અને અક્ષર ઓરડીમાં એકાંતે મળી પોતાનો અક્ષરધામમાં જવાનો સંકલ્પ રજૂ કર્યો. સ્વામીને મહારાજે કહ્યું, “તમારા સંબંધે સૌને બ્રહ્મરૂપ કરી, અમારા સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા દૃઢ કરાવી, અક્ષરધામના અધિકારી બનાવજો.” એમ કહી મહારાજ બોલ્યા:
“મીઠા વ્હાલા કેમ વિસરું મારું તમથી બાંધેલ તન હો,
તરસ્યાને જેમ પાણીડું વ્હાલું, ભૂખ્યાને ભોજન હો.”
આ રીતે પોતાની અને ગુણાતીતાનંદ સ્વામીની એકતા બતાવી, મહારાજે સ્વામીનો મહિમા જણાવતાં સૌને કહ્યું, “આ ગુણાતીતાનંદ સ્વામી તો ગુણાતીત એવું અમારું અક્ષરધામ છે. તે તો દિવ્યરૂપે સદાય અમારી સાથે જ છે.”
સંવત ૧૮૮૬ની જેઠ સુદ દશમની સવાર અમંગળ ચિહ્નોની સૂચક બની રહી. સતત ૪૯ વર્ષો સુધી આ પૃથ્વીને પોતાના પદારવિંદથી પાવન કરનાર ભગવાન સ્વામિનારાયણ સ્વતંત્ર થકા સ્વધામ સિધાવ્યા. સર્વત્ર કારમી વેદના ફરી વળી. મહારાજના વિરહથી સૌ બેબાકળા બની ગયા. સૌએ ભારે હૃદયે મહારાજની અંતિમવિધિ લક્ષ્મીવાડીમાં કરી.
અગ્નિસંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ ગુણાતીતાનંદ સ્વામી હાથમાં તુંબડી લઈ લક્ષ્મીવાડીમાં બહિર્ભૂમિ જતા હતા. રસ્તામાં વહેતા પાણીના ધોરિયાને કાંઠે કલકલ કરતી લીલી ધ્રો જોઈને સ્વામીને મનમાં એકાએક વિચાર આવી ગયો, “અહો! આ ધ્રોનું જીવન જળ છે તો કેવી કલકલ કરે છે? આપણું જીવન મહારાજ હતા તે ગયા!” અને આ વિચારમાત્રથી જ સ્વામીને મૂર્છા આવી ગઈ. આમ, તો અક્ષરબ્રહ્મને પરબ્રહ્મથી જરાય છેટું નથી. પરંતુ સ્થૂળ રીતે મહારાજનો વિયોગ થવાથી આ લોકના ભાવ પ્રમાણે વિરહમાં ગુણાતીતાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ. એટલામાં મહારાજ ત્યાં પ્રગટ થયા અને સ્વામીને જાગ્રત કરી બોલ્યા, “હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું.” એમ ત્રણ વખત બોલ્યા. અને મહારાજ સ્વામીને અતિ પ્રેમથી ભેટી પડ્યા.
ભગવાન સ્વામિનારાયણ સ્થૂળ રીતે આ પૃથ્વી ઉપરથી અંતર્ધાન થયા, પરંતુ મુમુક્ષુઓ માટે મોક્ષનું દ્વાર સદાને માટે ખુલ્લું રહે તે માટે પોતાના ધામરૂપ અનાદિ મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા પોતાનું અખંડ પ્રગટપણું રાખ્યું. તે વાતની પુષ્ટિ કરતો આ પ્રસંગ બની રહ્યો.
વચનામૃતમાં પણ અનેક જગ્યાએ શ્રીજીમહારાજે એવા ગુણાતીત સત્પુરુષ દ્વારા પોતાના પ્રાગટ્યનો કોલ આશ્રિતોને આપ્યો છે. ”ભગવાન જ્યારે પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે.” (વચનામૃત વરતાલ-૧૦)
સાંપ્રત સમયે મહંતસ્વામી મહારાજ દ્વારા આપણને સાક્ષાત્ એ જ શ્રીજીમહારાજની પ્રાપ્તિ થઈ છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!