ભગવાન સ્વામિનારાયણ
105 views
Content
5 of 14
શુદ્ધભક્તિપ્રવર્તક
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમની બાજુમાં જ જીવરાજ શેઠનો ડેલો હતો. અહીં રોજ મુક્તાનંદ સ્વામી કથાવાર્તા કરતા. એક દિવસ નીલકંઠ વર્ણી સંતો સાથે કથામાં ગયા. તેઓએ ત્યાં જોયું કે સભામાં સ્ત્રી-પુરુષો ભેગાં બેસીને કથા સાંભળે છે. નીલકંઠ વર્ણીને થયું કે, ‘આ તો ભક્તિમાં દૂષણરૂપ છે. આનાથી ત્યાગીના અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યમાં ભંગ થાય છે. વળી સ્ત્રી-પુરુષ ભેગા બેસીને કથાવાર્તા સાંભળે તેમાં અંદરોઅંદર પણ દૂષણ વધવાની સંભાવના છે.’ આમ વિચારી નીલકંઠ વર્ણી તરત જ સભાનો ત્યાગ કરીને જતા રહ્યા. બીજે દિવસે જ્યારે મુક્તાનંદ સ્વામી કથાવાર્તા કરવા ગયા ત્યારે નીલકંઠ વર્ણીએ સૌ સંતોને કહ્યું: ‘તમે સૌ મંદિરે આવો. હું તમને ત્યાં કથા સંભળાવીશ. આ રીતે સ્ત્રી-પુરુષ ભેળાં બેસી કથા સાંભળે તે ધર્મ નથી.’ ધર્મ-નિયમપાલનની શુદ્ધિમાં કોઈની મહોબત કે શેહશરમ તેઓ ન રાખતા. ત્યાર બાદ સૌને ધર્મ સમજાવી સ્ત્રી અને પુરુષ નોખા-નોખા બેસી કથાવાર્તા સાંભળે, ભક્તિ કરે એવી શુદ્ધ ભક્તિની રૂડી રીત નીલકંઠ વર્ણીએ સ્થાપી.
આશ્રમના મહંત મુક્તાનંદ સ્વામીથી વયમાં ૨૩ વર્ષ નાના અને હમણાંના આવેલા ૨૦ વર્ષીય નીલકંઠ વર્ણીનો પ્રભાવ કેવો હશે તેનો દાખલો આપતો વધુ એક પ્રસંગ બન્યો. એક દિવસ નીલકંઠ વર્ણીએ આશ્રમની દીવાલમાં એક ગોખલો જોયો. આશ્રમની બાજુમાં એક ગૃહસ્થનું ઘર હતું. તે ગોખલા વાટે સાધુ અને ગૃહસ્થની સ્ત્રી વચ્ચે ભારેલા અગ્નિની લેવડ-દેવડ થતી. આ જોઈ નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, ‘આ દીવાલમાં જે છિદ્ર છે તે સાધુના ધર્મમાં એક દિવસ જરૂર છિદ્ર પડાવશે. સાધુએ આ રીતે સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવો તે ઉચિત નથી.’ એમ કહી મુક્તાનંદ સ્વામીની આજ્ઞાની રાહ જોયા વગર વર્ણીએ તે જ સમયે પોતાને હાથે જ તે ગોખલો પૂરાવી દીધો. નૈષ્ઠિક બ્રહ્મચર્યના જે નિયમ-ધર્મ શાસ્ત્રોમાં લખ્યા હતા તે પ્રમાણે પાળવાનો અને પળાવવાનો આગ્રહ નીલકંઠ વર્ણીમાં જોઈને મુક્તાનંદ સ્વામી અભિભૂત થઈ ગયા.
આ રીતે આધુનિકતાના પ્રભાવથી ધર્મ અને ભક્તિમાં આવેલી મલિનતા કોઈ રીતે તેઓને પરવડતી નહિ. નીલકંઠ વર્ણીનું આ ચરિત્ર આવનારી પેઢીઓને પણ આધ્યાત્મિક માર્ગમાં બ્રહ્મચર્ય વ્રતની મહત્તા સમજાવતું રહેશે. ત્યાગી અને ગૃહસ્થોના જીવનમાં સ્ત્રી-પુરુષ મર્યાદા યથાર્થ રીતે પળાય તેવી કાયમી વ્યવસ્થા કરી એક શુદ્ધ સંપ્રદાયની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે કરેલ છે. એટલે જ આપણે આરતીમાં ગાઈએ છીએ, ‘ધર્મ એકાંતિક સ્થાપક ભક્તિ પરિત્રાતા.’
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!