ભગવાન સ્વામિનારાયણ
105 views
Content
2 of 14
નિર્ભય નીલકંઠ
Original
17 views
Versions:
Original
Concise Narrative Summary
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
હિમાલયની બર્ફીલી ઘાટીઓમાંથી પસાર થતાં નીલકંઠ વર્ણી નારદજીએ વસાવેલ શ્રીપુર ગામમાં પધાર્યા. અહીં ગામ બહાર એક કમલેશ્વર મઠ હતો. તેના ઓટલા ઉપર નીલકંઠ વર્ણીએ આસન જમાવ્યું. તપથી કૃશ થઈ ગયેલ શરીરવાળા અને તેજસ્વી કાંતિયુક્ત આ બાળ બ્રહ્મચારીને જોઈને ગામવાસીઓ આકર્ષાયા. મઠના મહંતજી પણ વર્ણીનાં દર્શને દોડી આવ્યા. સાંજનો સમય થયો હતો. મહંતજીએ વર્ણીને કહ્યું: ‘બ્રહ્મચારી! તમે મઠની અંદર આવો. અહીં બહાર જંગલી જનાવરનો ભય છે. માટે ઓટલે બેસી રહેવું ઠીક નથી.’ પરંતુ વર્ણી કાંઈ બોલ્યા નહીં. ‘મૌનવ્રતધારી હશે!’ - એમ ધારી મહંતજીએ વર્ણીને ધીરેથી હલાવીને કહ્યું: ‘જો મઠમાં આવવાની ઇચ્છા ન હોય તો ગામમાં વસ્તીમાં જાઓ, પણ અહીં તો મૃત્યુનો ભય છે.’
વર્ણીએ નિજમસ્તાઈમાં મહંતજીને કહ્યું: “હું વસ્તીમાં રહેતો નથી. ગામ બહાર જ્યાં આવું સ્થળ મળે ત્યાં આકાશની નીચે રહું છું. મૃત્યુનો મને ભય નથી. મૃત્યુથી ડરીને સંતાઈ જવાથી મૃત્યુ રોકાતું નથી.” મહંતજીને વર્ણીની વાત જોગીહઠ લાગી. તેઓ પાછા આશ્રમમાં ચાલ્યા ગયા. વર્ણી તો શાંતચિત્તે આસન વાળી ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા હતા. પરંતુ મહંતજીને વર્ણીની ચિંતામાં ચેન પડતું ન હતું. વારેવારે તેઓ આશ્રમની બારીમાંથી વર્ણીને જોઈ લેતા.
સૂર્યાસ્ત થઈ ગયો. રાત્રિના બે પ્રહર વીત્યા. સર્વત્ર નીરવ શાંતિ હતી. એવામાં તે શાંતિને ચીરતી ધરતી ધ્રુજાવે તેવી કેસરી સિંહની ગર્જના સંભળાણી. મહંત અને પુરવાસી આ ભયંકર ત્રાડ સાંભળીને જાગી ગયા. ભયંકર ગર્જના કરીને ત્રાડુકતો કેસરી સિંહ થાળી-થાળી જેવડા પંજાનાં પગલાં માંડતો, વિશાળ પૂછડું ફંગોળતો, ધગેલ ત્રાંબા જેવી આંખો ટમટમાવતો ધીરે રહીને વર્ણીની આગળ આવીને ઊભો રહ્યો. વર્ણીએ સિંહ તરફ દૃષ્ટિ કરી. દૃષ્ટિ પડતાં જ સિંહ નિશ્ચેતન બની સમાધિના દિવ્ય સુખનો અનુભવ કરતો વર્ણીના પગ આગળ લપાઈને બેસી ગયો.
ડરતાં ડરતાં મહંતે બારીનું બારણું ખોલ્યું. તેઓ અને તેમના શિષ્યો બારીની બહાર આશ્ચર્યવત્ જોઈ જ રહ્યા. થોડી વારે નીલકંઠ વર્ણી સિંહના શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યા. વર્ણીના સ્પર્શથી સિંહ સમાધિમાંથી જાગ્રત થઈ સચેતન થઈ ગયો અને નીલકંઠ વર્ણીના પગ ચાટવા લાગ્યો. મહંતજીએ તેમના શિષ્યો સામું જોયું, શિષ્યોએ મહંત સામું જોયું. બંને એકાએક બોલી ઊઠ્યા: “આ તો કોઈ ઈશ્વરી અવતાર છે!” જે માણસ અને પશુની હિંસા કરે, જેની ત્રાડ સાંભળીને અનેકનાં હૈયાં હચમચી જાય એવો આ કેસરી સિંહ આજે આ વર્ણી પાસે ગભરુ ગાય જેવો બની ગયો હતો!
પરોઢ થતાં જ સિંહ વર્ણીને શિર ઝૂકાવીને ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો! મહંતજી દોડતાં વર્ણી પાસે આવ્યા અને હાથ જોડી કહ્યું: “બ્રહ્મચારી! આપ બહુ પ્રતાપી છો. સિદ્ધ છો. આપ જો અમારા મઠમાં રહો તો તમને મઠાધિપતિ બનાવી દઉં. લાખ રૂપિયાની અમારી આવક છે....” મહંત બોલ્યે જ જતા હતા. વર્ણીએ તેમને અટકાવીને વચ્ચે જ કહ્યું: “જુઓ મહતંજી! મઠની, આશ્રમની કે મિલકતની અપેક્ષા હોત તો ઘરનો ત્યાગ શું કરવા કરત? મારે તો તીર્થોમાં જઈ અનેક જીવનું કલ્યાણ કરવું છે. અને સાચો સત્સંગ શું છે તે જગતને સમજાવવું છે.” એટલું કહીને વર્ણી ત્યાંથી ચાલ્યા ગયા. 'આ વર્ણી જીવોના કલ્યાણ માટે પધારેલ સાક્ષાત્ ભગવાન જ છે.' એવી પ્રતીતિ સાથે મહંતજી અને ગામવાસીઓ તેઓને જતા જોઈ રહ્યા. આ રીતે, નિર્ભય થકા નીલકંઠ વર્ણી પોતે વિચરતા.
વચનામૃત ગઢડા મધ્ય ૫૫માં શ્રીજીમહારાજ વાત કરે છે, “જ્યારે ઘર મૂકીને નીસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં અને વનમાં જ રહેવું ગમતું. અને બીક તો લેશમાત્ર લાગતી જ નહીં અને વનને વિષે મોટાં મોટાં સર્પ, સિંહ, હાથી ઇત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યાં પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહીં; એવી રીતે મહાવનને વિષે સદા નિર્ભય રહેતા.”
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!