ભગવાન સ્વામિનારાયણ
105 views
Content
3 of 14
નિ:સ્પૃહી નીલકંઠ
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
કલ્યાણના માર્ગમાંથી ભૂલા પડેલા અનેકને સાચી દિશા ચીંધતાં ચીંધતાં નીલકંઠ વર્ણી વંશીપુર પધાર્યા. અહીં પીપળાના વૃક્ષ નીચે સ્વસ્તિક આસન વાળીને ધ્યાનમાં બેઠેલા વર્ણીની તેજોમય આભા જોઈ વંશીપુરના રાજા આકર્ષાયા. ‘નારાયણ આ સ્વરૂપે આજે મારું કલ્યાણ કરવા તો નથી આવ્યા ને!’ એમ વિચારતાં તેઓએ વર્ણીને મહેલમાં પધારવા પ્રાર્થના કરી. રાજાનો ભક્તિભાવ જોઇ વર્ણી તૈયાર થયા. વર્ણીને પોતાના રાજવી ઘોડા ઉપર બેસાડી રાજા સ્વયં ઘોડાની સરક પકડી ચાલવા લાગ્યા. આ નવા મહેમાનને જોઈ રાણી પણ સ્થિર થઈ ગયા. વર્ણીમાં તેઓને સાક્ષાત્ પુરુષોત્તમના દર્શન થયા.
રાજા-રાણીને બે કુંવરીઓ હતી – ઇલા અને સુશીલા. તેઓ પણ વર્ણીનાં દર્શનથી મોહિત થઈ ગઈ. રાણીને પુત્રની ખોટ હતી. તેને લાગ્યું કે સ્વયં પુરુષોત્તમ જ પોતાની આ ખોટ પૂરવા પધાર્યા છે. રાજા-રાણી અને બંને કુંવરીઓ નીલકંઠ વર્ણીની સેવામાં રાત-દિવસ અભિરત થઈ ગયા. વર્ણીના સમાગમથી રાજા-રાણીને તેઓને રાજ્યમાં જ રાખી લેવાનો લોભ જાગ્યો.
એક દિવસ રાણીએ વર્ણીને કહ્યું: ‘બ્રહ્મચારી! આ રાજ્ય તમને સોંપવું છે. આ મારી બંને કુંવરીઓનું સગપણ પણ તમારી સાથે કરાવવું છે. માટે હવે વનમાં જઈ તપ કરવાની માથાકૂટ મૂકી દ્યો.’
પરંતુ ‘ભાર નામે એક રૂમાલ પણ જેઓ રાખતા નહીં’ (વચનામૃત ગઢડા પ્રથમ ૧૦) તેવા વર્ણીને રાજ્યનો અને લૌકિક બંધનોનો ભાર તો કેવી રીતે ગમે? તેથી વર્ણીએ વિનયપૂર્વક રાણીના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. રાણીને મોહ વ્યાપ્યો હતો. તેથી વર્ણી પ્રત્યેના સાક્ષાત્ ભગવાનપણાના ભાવને ભૂલી જઈ ઉદ્વેગમાં બોલ્યાં, ‘અત્યારે તો બાળ અવસ્થા છે, પરંતુ જ્યારે જોબન અવસ્થા આવશે ત્યારે સ્ત્રી વિના ટળવળશો. મોટા મોટાનાં માન કામદેવે તોડ્યાં છે. તે તમને છોડશે?’
માયાવી જીવ ભગવાનને પણ પોતા જેવા જ માયાને વશ સમજે છે. આવી અજ્ઞાનતા રાણીમાં જોઈ વર્ણી મનમાં હસ્યા. તેમને રાણી ઉપર દયા આવી. તેમણે રાણીને કહ્યું, “અમારે તો સુખમાત્ર વનમાં જઈને પરમાત્માનું ચિંતવન કરવું તેમાં જ છે.” રાણીએ જંગલી પશુઓની બીક બતાવી. ત્યારે વર્ણીએ મક્કમતાથી કહ્યું: “બીક તો એક વાસનાની રાખવી જોઈએ. હું તો તેની મોહજાળમાંથી મનુષ્યોને છોડાવવા અને મારા દિવ્ય અક્ષરધામનું સુખ આપવા પ્રકટ થયો છું. તમારા રાજ્ય કે કુંવરીઓમાં બંધાવા નથી આવ્યો.” વર્ણીની વેધક વાણી સાંભળી રાણીને સમાધિ થઈ ગઈ. તેઓના અંતરના અજ્ઞાનના પડળ ખૂલી ગયા. તે જ દિવસે રાત્રે નીલકંઠ વર્ણી વંશીપુરથી નીકળી ગયા.
ભલભલો માણસ સહેજમાં લલચાઈ જાય એવાં એવાં પ્રલોભનો નીલકંઠ વર્ણીને આવ્યાં હતાં. પંજાબના રાજા રણજીતસિંહ અને કાઠમંડુના રાજા રણબહાદુર પોતાનું સમગ્ર રાજ્ય અર્પણ કરવા તૈયાર થઈ ગયા હતા. ધરમપુરના રાણી કુશળકુંવરબાએ પણ પોતાનું ૫૦૦ ગામનું રજવાડું શ્રીજીમહારાજના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. પરંતુ મહારાજ આવા કોઈ પ્રલોભનો કે લૌકિક બંધનોમાં બંધાયા નહીં. તેઓ સદૈવ નિ:સ્પૃહી, જગતથી નિર્લેપ જ રહ્યા.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!