ભગવાન સ્વામિનારાયણ
105 views
Content
4 of 14
સેવાના આદર્શ - નીલકંઠ
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
અનંત જીવોના કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ વર્ણીરૂપે સમગ્ર ભારતની પદયાત્રા કરી. આ કલ્યાણયાત્રા દરમ્યાન વેંકટાદ્રિથી કાંચીપુરમ્ જતાં રસ્તામાં તેઓને એક સાધુ મળ્યો. તેનું નામ સેવકરામ. તે ભાગવતનો ભણેલો અને સંસ્કૃતનો વિદ્વાન હતો. નીલકંઠે તેની પાસેથી ભાગવતના ગોપિકા ગીતના સુંદ૨ શ્લોકો સાંભળ્યા. નીલકંઠને ભાગવતમાં ખૂબ રુચિ હતી. તેથી તેમની સાથે રહ્યા. સેવકરામ ભાગવતનો માત્ર કથાકાર હતો, પરંતુ સાધુતાના કોઈ લક્ષણ તેનામાં નહોતા. તેની પાસે એક હજાર સોનામહોરો હતી, પણ કોઈ સેવક નહીં. આ મુસાફરી દરમ્યાન સેવકરામને મરડો થઈ ગયો. વારંવાર ઝાડે જવું પડે. ઝાડામાં લોહી પડે. પીડા બહુ થાય. ચલાય પણ નહીં. આથી, તે રોવા લાગ્યો. તેનું દુ:ખ જોઈ દયાળુ નીલકંઠે તેને આશ્વાસન આપતાં કહ્યું: ‘તમે કાંઈ ચિંતા રાખશો નહીં, અમે તમારી સેવા-ચાકરી કરીશું.’
નીલકંઠ રાત-દિવસ સેવકરામની સેવામાં લાગી ગયા. અહીં કેળાંની ફૂલવાડીમાં વડનું એક મોટું વૃક્ષ હતું. તેની નીચે નીલકંઠે કેળનાં પાનની એક હાથ ઊંચી પથારી કરી સેવકરામને સૂવડાવ્યો. તેના ઝાડાથી બગડેલાં કપડાં નીલકંઠ રોજ ધોતા. કોઈ અણગમો કે સૂગ રાખ્યા વગર વર્ણી પ્રેમથી તેની ચાકરી કરતા. સેવકરામને જે જોઈએ તે લાવી રાંધીને જમાડતા. પોતાને જમવા માટે સેવકરામ રૂપિયા આપીને બાજુના ગામમાંથી ખાંડ, સાકર, ઘી, અન્ન વગેરે નીલકંઠ પાસે મંગાવતો. નીલકંઠ તેમાંથી રસોઈ બનાવી તેને જમાડતા, પણ તેઓને તો બાજુના ગામમાં જઈને ભિક્ષા માંગીને જમવાનું રહેતું. કોઈ કોઈ વાર ભિક્ષામાં કાંઈ ન મળે તો નીલકંઠને ઉપવાસ પણ કરવા પડતા. ક્યારેક તો બબ્બે દિવસના ઉપવાસ થતા, પરંતુ સેવકરામ એટલો પણ વિવેક ન કરતો કે, ‘મારી પાસે રૂપિયા છે તેમાંથી તમે આપણા બંને માટે રસોઈ કરો અને તમે પણ મારી સાથે જમો.’ તેમ છતાં નીલકંઠે બે મહિના સુધી તેની ખૂબ ભાવથી અને ખંતપૂર્વક સેવા કરી. આખરે તે સાજો થયો.
નીલકંઠ અને સેવકરામ રામેશ્વરમ્ તરફ આગળ ચાલ્યા. હવે તો સેવકરામ શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો છતાં નીલકંઠ પાસે પોતાનું એક મણનું (૨૦ કિલોનું!) ભારે પોટલું ઉપડાવતો. નીલકંઠ પોતે રૂમાલ જેટલો પણ પોતાનો સામાન ન રાખતા, તેમ છતાં સેવકરામના પોટલાનો ભાર ઊંચકતા. સેવકરામ નીલકંઠ વર્ણીની કાંઈ ખબર ન રાખતો. ફક્ત ગુલામની જેમ કામ કરાવ્યા કરતો. નીલકંઠને લાગ્યું કે, ‘આનામાં ભક્તિ પણ નથી અને કોઈએ કરેલા ઉપકારની કૃતજ્ઞતા પણ નથી.’ આથી, સેવકરામને કૃતઘ્ની જાણીને અંતે નીલકંઠે તેનો ત્યાગ કર્યો.
નિ:સ્વાર્થભાવે સેવા કરવી એ અઘરું છે, પણ સામેવાળા વ્યક્તિને લેશમાત્ર ગુણ ન હોય, છતાં મહિનાઓ સુધી પ્રેમથી આ પ્રકારની ટેલ-ચાકરી કરવી તે તો સેવાની પરાકાષ્ઠા છે! નીલકંઠ વર્ણીએ સેવાનો આવો અજોડ આદર્શ પૂરો પાડ્યો છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!