ભગવાન સ્વામિનારાયણ
105 views
Content
12 of 14
દુર્લભ પ્રાપ્તિ
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં બિરાજમાન હતા. એક રાત્રે મહારાજ પોઢવા જતા હતા ત્યાં મહાનુભાવાનંદ સ્વામી મહારાજનાં ચરણ ચાંપવા લાગ્યા. એટલામાં મહારાજે એકાએક પોતાનાં બંને ચરણ ખેંચી લીધાં. આ જોઈ સ્વામીને આશ્ચર્ય થયું! તેમણે મહારાજને કહ્યું: “મહારાજ! અમારા તપમાં કાંઈ ખામી છે કે આપ આપનાં ચરણની સેવાથી અમને વંચિત રાખો છો? અમે આપને માટે સંસાર છોડ્યો; આપને રાજી કરવા અપમાન, તિરસ્કાર, માર સહન કર્યાં. આપે જેટલાં પ્રકરણો ફેરવ્યાં તેમાંથી અમે પસાર થયાં, હવે વિશેષ કરવાનું શું બાકી છે તે આપ અમને આ લાભ લેવા દેતા નથી?”
મહાનુભાવાનંદ સ્વામીના ત્યાગની વાત સાંભળી મહારાજ હસ્યા. તેમણે હસતાં-હસતાં એક દૃષ્ટાંત કહ્યું: “સ્વામી! એક શ્રીમંતને ઘેર એક ભિખારી ભીખ માગવા ગયો. ત્યારે તે શ્રીમંતે કહ્યું: ‘અણહકનો રોટલો તને પચશે નહીં. માટે મારા ફળિયામાં વાસીદું વાળી દે તો તને મહેનતાણું આપીશ.’ ભિખારીએ શેઠની વાત સ્વીકારી. તેમનો ચોક સાફ કરી દીધો. પછી શેઠે તેને કહ્યું: ‘હવે બોલ, તને મજૂરીમાં શું આપું?’ આ સાંભળી તે ભિખારીએ કહ્યું: ‘મને અધમણ સોનું આપો.’ શેઠ આ સાંભળી વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું: ‘તેં બે પૈસાનું કામ કર્યું છે અને અધમણ સોનું શેનું માગે છે?”
એટલું કહીને મહારાજ બોલ્યા: “તમે ઘરબાર છોડ્યાં, તપ કર્યું, શરીર સૂકવી નાખ્યાં - આ બધું તો ચોક વાળવા જેટલું કાર્ય છે. આ બધા સાધનની અમારે મન તો બે પૈસાની જ કિંમત છે. તેના બદલામાં તમને પરાત્પર પુરુષોત્તમ નારાયણની સેવા મળે? આગળ મોટા-મોટા રાજાઓ રાજય છોડીને તપશ્ચર્યા કરવા નીકળી પડ્યા હતા. છતાં પરબ્રહ્મ પુરુષોત્તમની ઝાંખી પણ થઈ નથી. તેમણે જે ત્યાગ્યું તેની આગળ તમારો ત્યાગ શા હિસાબમાં?”
મહાનુભાવાનંદ સ્વામીને પ્રતીતિ આવી ગઈ કે આપણે જે સાધનો કર્યા તેની સામે આપણને તો ઘણું મોટું વળતર-ફળ મળી ગયું છે. નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે,
“આગળ ભગત અનેક થયા, સહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે;
તોયે પ્રભુ પ્રગટ પામ્યા નહીં, પામ્યા પણ નાવ્યાં આવા સુખ રે...”
આપણને કોઈ સાધન વગર, આપણી લાયકાત ન હોવા છતાં પણ અનંત કોટિ બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ અને તેમના અખંડ ધારક ગુણાતીત સત્પુરુષની દુર્લભ પ્રાપ્તિ થઈ ગઈ. આ આપણા મોટા ભાગ્ય! હવે તો બસ શ્રદ્ધા અને ખપથી આ પ્રાપ્તિને આપણે જાળવી રાખવાની છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!