ભગવાન સ્વામિનારાયણ
105 views
Content
8 of 14
‘દાસનું લક્ષણ શું?’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ભક્તરાજ સુંદરજી સુથાર કચ્છના રાજાના કારભારી હતા. એક પ્રસંગે તેઓ ભૂજના રાજાનું ખાંડુ (જાન) લઈને ગોંડળ આવ્યા. ત્યાં સમાચાર મળ્યા કે, ‘મહારાજ બંધિયા બિરાજે છે’ એટલે તરત જ રખેવાળોને જાનની ભલામણ કરી પોતે શ્રીજીમહારાજનાં દર્શન કરવા સારુ બંધિયા આવ્યા. અહીં મૂળુ ખાચરને ત્યાં શ્રીજીમહારાજ બિરાજમાન હતા. તે વખતે તેઓની કસોટી કરતાં મહારાજે એક વિશિષ્ટ ચરિત્ર કર્યું.
મહારાજે પૂછ્યું ‘કોણ આવ્યું?’
‘મહારાજ! આપનો દાસ.’
‘દાસનું લક્ષણ શું?’
‘કહે તેમ કરે.’
‘દાસ હો તો વસ્ત્ર-ઘરેણાં ઉતારી સાધુ થાઓ.’
તે જ વખતે સુંદરજીભાઈએ વસ્ત્ર-ઘરેણાં ઉતારી નાખ્યાં ને દાઢી-મૂછ મૂંડાવી દીક્ષા લઈ લીધી. મહારાજે તરત જ તેમને કાશીની જાત્રા કરવા મોકલ્યા. સુંદરજીભાઈ પણ દૃઢ નિશ્ચયવાળા હતા. તેમને શ્રીજી મહારાજના વચનમાં કાંઈ સંશય ન થયો. મહારાજે મુક્તાનંદ સ્વામીને આ વાત કરતાં કહ્યું: ‘અમે કેવાં સારાં કામ કર્યાં કે રાજાના કારભારીને મૂંડ્યા!’ ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું: ‘શું સારું કામ કર્યું? કાઠિયાવાડમાં મતવાદીઓ રંજાડતા તેથી ઘણી મુશ્કેલી હતી, પણ કચ્છમાં સુંદરજીભાઈ હતા તે શાંતિ હતી. હવે કચ્છમાં જગજીવન કારભારી સત્સંગનો દ્વેષી છે, તે આ જાણશે તો વિશેષ ઉપાધિ કરશે. હવે ત્યાં પણ રોટલા મળશે નહીં.’
મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળી શ્રીજીમહારાજે કહ્યું: ‘તો તો તેમને બોલાવો પાછા.’ મૂળજી બ્રહ્મચારીને મોકલી સાધુવેષધારી સુંદરજીભાઈને પાછા બોલાવ્યા. તેઓ શ્રીજીમહારાજ પાસે આવ્યા ને દંડવત્ કરી ઊભા રહ્યા.
મહારાજે પૂછ્યું: ‘કોણ આવ્યું?’
‘દાસ આવ્યો.’
‘દાસ હો તો લૂગડાં-ઘરેણાં પહેરી ઢાલ-તલવાર લઈને રાજાના કુંવરને પરણાવવા પાછા જાઓ.’
મહારાજની આજ્ઞાથી સાધુવેષધારી સુંદરજીભાઈએ વસ્ત્ર-ઘરેણાં તો પહેરી લીધાં, પણ દાઢી-મૂછ તો પાછા ક્યાંથી લાવવા?! પણ મહારાજના વચને સુંદરજી સુથારે લોકલાજનો ત્યાગ કરી દીધો. પરંતુ સુંદરજીભાઈને આ વાતનો ગર્વ થયો. તેઓએ શ્રીજીમહારાજને કહ્યું: ‘મહારાજ! બીજાની આવી આકરી કસોટી કરશો નહીં. બીજાથી આવું થાય નહીં.’ શ્રીજીમહારાજ તે સમયે કાંઈ બોલ્યા નહીં, પણ ગર્વગંજન હરિવરે સુંદરજીના શબ્દો યાદ રાખ્યા હતા. મહારાજને તો પોતાના ભક્તોને અણિશુદ્ધ કરવા હતા. ભલે ને ભક્તના અંતરમાં સદ્ગુણો તેની પરાકાષ્ઠાએ હોય, પણ જો ગુણોનો અહંકાર હોય તો તે મહારાજને ગમતું નહીં. અહીં પણ હરિવરે સુંદરજીભાઈનું ગુણનું માન ટાળવા નવીન ચરિત્ર આદર્યું.
આ અરસામાં મહારાજ વિચરણ કરતાં ભાદરા પહોંચ્યા. અહીંથી તેઓએ એક પત્ર સુરાખાચર, અલૈયા ખાચર, અમરો પટગર... આદિ અઢાર સુખી કુટુંબના ગામધણીઓ અને રાજ-દરબારોને સંબોધીને લખ્યો. તેમાં લખ્યું કે – ‘માંચા, સુરા, સોમલા, મામૈયા, અજા, વીરદાસ આદિ સૌ ભક્તો ઘરમાં હો કે સીમમાં, જ્યાં હો ત્યાંથી ખાવું-પીવું પડતું મૂકીને, ઊભા હો ત્યાંથી તત્કાળ ચાલી નીકળજો. કર્મયોગી તથા સાંખ્યયોગી હરિજન જેને નીકળાય તે સંસારનો ત્યાગ કરીને નીકળજો. અમારું બહુ જ ગમતું છે… જેતલપુર જઈ, ત્યાં રામદાસ સ્વામી આગળ દીક્ષા લઈ, કાશી થઈને ભૂજ અમારી પાસે આવજો.’
બધા ભક્તો મહારાજની આજ્ઞા મુજબ તત્કાળ ઘરબાર છોડી નીકળી પડ્યા. કડુના કલ્યાણદાસ તો પોતાના જ લગ્નની ચોરીમાં માંડવા નીચે બેઠા હતા. ત્યાં તેઓના મામા અજા પટેલ પર આ કાગળ આવ્યો તો મામાની સાથે ભાણિયો પણ બાંધેલા મીંઢળે મહારાજની ભગવી સેનામાં જોડાવા નીકળી ગયો. આ યાદીમાં તેમનું નામ તો હતું નહીં. પણ કલ્યાણદાસે મનોમન નક્કી કરી લીધું કે ‘અનંત જન્મો પત્ની-સંતાનો માટે આયખું ખોયું છે, તો હવે આ જન્મે આવી તક મળી છે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આયખું અર્પી જીવતર ધન્ય કરી લેવું છે.’ તેથી મહારાજે ભક્તોના નામમાં છેલ્લે ‘આદિ’ લખ્યું હતું, તેમાં પોતાને ગણાવી આ ભક્તરાજ પણ સાધુ થવા આવી ગયા! સૌ રામદાસ સ્વામી પાસે આવ્યા. રામદાસ સ્વામીને સ્વપ્નમાં દર્શન દઈને મહારાજે તેમને આજ્ઞા કરી કે આ નવા પરમહંસોની મંડળી લઈ તમે સીધા ભૂજ આવો.
મહારાજ ભાદરાથી નીકળી ભૂજ પધાર્યા. થોડે દિવસે નવા પરમહંસોની મંડળી રામદાસ સ્વામી સાથે ભુજ આવી. મહારાજ દંડવત્ કરતાં તેમને સામા તેડવા ગયા. મહારાજે દરેકનો પરિચય સુંદરજી સુથારને કરાવી કહ્યું: ‘આ દરેક પાંચ, પચીસ કે પચાસ ગામના ધણી છે. કેવળ અમારો પત્ર વાંચીને ઝોળિયા પારેવાંની જેમ પડતું મૂકી, સાધુ થઈને આવ્યા છે.’
આ જોઈ સુંદરજી સુતારની આંખમાં પાણી આવી ગયાં. તેમનો ગર્વ ઓગળી ગયો. તેઓ મરમમાં જ સમજી ગયા. તેમણે મહારાજને બંધિયામાં કહેલા શબ્દો બદલ માફી માંગી. મહારાજે સૌને આજ્ઞા કરી, ત્યાગીનો વેશ મૂકાવી ફરી પાછો ગૃહસ્થનો વેશ ધારણ કરાવ્યો. પરંતુ કડુ ગામના કલ્યાણભાઈ - ‘અદ્ભૂતાનંદ સ્વામી’એ મહારાજની આજ્ઞા લઈ સાધુ રહેવાનું જ પસંદ કર્યું.
શ્રીજી મહારાજના ફક્ત એક પત્રથી જ આવા ગામધણીઓ, પ્રતિષ્ઠિત પુરુષો પોતાનું ઘર, સગાં-સંબંધી, મિલકત, ગરાસ છોડીને ત્યાગી થઈ ગયાં હતાં! મહારાજનું આ કેવું ઐશ્વર્ય કે તેમના સંબંધમાં જે જે આવ્યા તેના અંતરમાંથી શ્રીહરિએ જગત કાઢી નાંખ્યું! અને ભક્તોની પણ કેવી તૈયારી શ્રીહરિના વચન અધ્ધર ઝીલવાની!
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!