ભગવાન સ્વામિનારાયણ
105 views
Content
9 of 14
ગધેડાની ગાય
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
રાષ્ટ્રીય શાયર તરીકે પ્રસિદ્ધિ પામેલા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય વિદ્વાન ઝવેરચંદ મેઘાણી જોબન પગીના વ્યક્તિત્વ માટે લખે છે: ‘માણસ જેવા માણસને ધારિયાની ધારે મારીને એના ટુકડે ટુકડા કરીને આગમાં બેપતા બનાવી દેવા એ જોબનને મન રીંગણાં બાફવા બરાબર હતું!’ આવું હતું જોબનનું ખૂંખાર વ્યક્તિત્વ. એ સમયે ગુજરાતમાં જોબનપગીની હાક વાગતી. તેના માટે એવું કહેવાતું કે જોબનનું તીર ગુજરાતથી છેક કલકત્તા અને પૂના સુધી ચાલતું. એટલે કે જેની પાસે જોબનનું તીર હોય તેને માર્ગમાં કોઈ ચોર-ડાકૂ હેરાન-પરેશાન કરવાની હિંમત ન કરતા. જોબન પગીએ બે-બે વાર ગાયકવાડ સરકારની તિજોરી પણ લૂંટેલી. ગાયકવાડ સરકારે જોબનને પકડી લાવનાર માટે એ સમયે ૫૦,૦૦૦ રૂપિયાનું ઈનામ બહાર પાડેલું, પણ કોઈથી એનું નામ ન દેવાતું. મોટાં મોટાં રજવાડાંઓ પણ તેનાથી ત્રાસી ગયા હતા. સો-સો ગાઉ સુધી ચોરી કરવા જતો જોબન ધોળે દિવસે સૌને લૂંટતો છતાં પકડાતો નહીં.
ભગવાન સ્વામિનારાયણે ડભાણમાં બહુ મોટો યજ્ઞ કર્યો. દેશ-દેશાવરથી હજારો હરિભક્તો આ યજ્ઞમાં આવ્યા. મોટા મોટા કાઠી દરબારોનાં પાંખાળાં ઘોડાંઓ ડભાણને પાદર છૂટેલાં. એમાં પણ સ્વામિનારાયણ ભગવાનના રોઝા ઘોડાની કીર્તિ તો ચોમેર ફેલાયેલી હતી. જોબનનું મન લલચાયું: ‘એવો ઘોડો આપણે હોય તો એક રાતમાં સેંકડો ગાઉની મજલ કાપી નંખાય. લૂંટ કરવાનું સારું ફાવે.’ અંધારી રાતે જોબને ધીરે રહીને ઘટાદાર વટવૃક્ષ નીચે ઘોડશાળમાં પ્રવેશ કર્યો. જ્યાં ખીલેથી રોઝા ઘોડાની સરક છોડવા જાય છે, ત્યાં તો પ્રકાશનાં કુંડાળાં જોબને જોયાં. ઊંચી દૃષ્ટિ કરી તો જરિયાન વસ્ત્રોમાં શોભતા ભગવાન સ્વામિનારાયણ દેખાયા. હાથ પાછો પડ્યો. પાછે પગે ભગવાનથી દૃષ્ટિ છુપાવતો જોબન અંધારામાં સરકી ગયો.
બીજા દિવસે જોબન ભરી સભામાં મહારાજ પાસે આવ્યો. આંસુઓથી મહારાજના ચરણ પખાળ્યાં. ધીરેથી ઊભા થઈ જોબને ગદ્ગદ કંઠે મહારાજની માફી માંગી: ‘પ્રભુ! રાત્રે હું અહીં ઘોડો ચોરવા આવ્યો, પણ ઘોડાએ ઘોડાએ આપનાં દર્શન થયાં. મહારાજ! હું પાપી છું, મેં આપને ન ઓળખ્યા. દીનબંધુ! દયા કરો. મારું મહાપાપ મટાડો.’ જોબનના આ હૃદયોદ્ગાર સાંભળી, મહારાજે એનો વાંસો થાબડ્યો. ધીરજ આપી, ક્ષમા આપી. નિયમ ધરાવ્યા અને ચોરી આદિ કુકર્મોનો ત્યાગ કરાવ્યો. ગુજરાતની ધરણીને ધ્રુજાવનારો જોબન આજે ભક્ત બન્યો. ધર્મ-નિયમયુક્ત પવિત્ર જીવન જીવતો જોબન શ્રીહરિની સેવા-ભક્તિ કરવા લાગ્યો. મહારાજ ગુજરાતમાં પધારતા ત્યારે જોબન અને એના ભાઈઓ મહારાજના અંગરક્ષક બનીને સેવા કરતા. વરતાલમાં મંદિર માટે જોબને પોતાની જમીન પણ મહારાજને અર્પણ કરી હતી.
એક વાર જોબન પગીને કામ પ્રસંગે વસો ગામે જવાનું થયું. મેડીએ કશિયાભાઈ બેઠા હતા. એમણે જોબનને જોયો. વિચાર થયો: ‘એક વખત જોબનની રાડ પડતી ને વસોની શેરીઓમાં ડેલીઓ દેવાઈ જતી. છોકરું સુધ્ધાં ઉંકારા ન કરતું. અમે જેનાથી ત્રાસી ગયા હતા તે જોબન આજે વસોની શેરીઓમાં, કપાળમાં તિલક-ચાંદલો, ગળામાં કંઠી ને હાથમાં માળા ધારણ કરીને, ચૂપચાપ ચાલ્યો જાય છે!’
આમ તો કશિયાભાઈ સ્વામિનારાયણના દ્વેષી હતા, પણ જોબનનું પરિવર્તન જોઈ એમને ઘણું આશ્ચર્ય થયું. કુતૂહલતાથી એમણે જોબનને બોલાવ્યો: ‘અલ્યા જોબન! સ્વામિનારાયણમાં તેં શું ભાળ્યું તે આ ભેંસ-ભડકામણું તિલક કરીને ફૂલ્યોફાટ્યો ફરે છે? સ્વામિનારાયણ શું કંઈ ચમત્કારથી ગધેડાની ગાય બનાવે છે?’ જોબને મક્કમતાથી પણ વિવેકથી કહ્યું: ‘કશિયાભાઈ! તમારે હજુ ચમત્કાર જોવો છે? આ તમે મારી સાથે આ રીતે વાત કરી શકો છો એ જ ચમત્કાર નથી લાગતો? હું ચોરોનો સરદાર. તે મને સ્વામિનારાયણે ભગત બનાવ્યો. ગળામાં કંઠી અને હાથમાં માળા અપાવી. તે મને ગધેડાને ગાય જેવો કર્યો કે નહીં?’ જવાબ સાંભળી કશિયાભાઈને સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ સમજાઈ ગયો.
જોબન પગીને શ્રીહરિમાં દૃઢ પ્રીતિ થઈ ગઈ હતી. મહારાજના અક્ષરધામગમન પછી જોબનને ક્યાંય ચેન પડે નહીં. ‘મહારાજ વિના દેહ કેમ ફાટી પડતો નથી?' એવી બળતરા રહ્યા કરે. મોટા મોટા સદ્ગુરુઓએ ધીરજ આપી. વળી, મહારાજની અંતિમ વિધિની પ્રસાદીની ભસ્મ હતી તે રોજ લેવા કહ્યું. દરરોજ જમતી વખતે જોબન થોડી પ્રસાદીની ભસ્મ સાથે લે. મહારાજનું સ્મરણ કરે અને શાંતિ મેળવી જમી લે.
એક વાર જોબનપગી જમવા બેઠા. તાંસળીમાં રોટલા ને છાશ પીરસાયાં. જોબને ભસ્મ માંગી ત્યારે પત્નીએ ધીરેથી ડરતાં ડરતાં કહ્યું: ‘ભસ્મ તો ખલાસ થઈ ગઈ છે.’ આ શબ્દો કાને અથડાયા અને જોબનને ધ્રાસકો પડ્યો. ‘હેં?’ શ્વાસ અદ્ધર થઈ ગયો, ડોળા ફાટી ગયા અને પ્રાણપંખેરું ઊડી ગયું! જોબન મહારાજ પાસે ધામમાં બેસી ગયા! જોબન જેવા મહાલૂંટારાને મહાન ભક્ત બનાવનાર હતા ભગવાન સ્વામિનારાયણ.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!