ભગવાન સ્વામિનારાયણ
105 views
Content
13 of 14
સ્વામિનારાયણિયા કોણ?
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
શ્રીજીમહારાજે ઉપાસના રહેવા સારુ ૬ ભવ્ય શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કર્યું. તે મંદિરોમાં અલગ-અલગ યુગલ મૂર્તિઓની સ્થાપના મહારાજે કરી જેમાં અમદાવાદ અને ભુજમાં નરનારાયણદેવ, વરતાલમાં લક્ષ્મીનારાયણદેવ, ગઢડામાં ગોપીનાથજી, ધોલેરામાં મદનમોહનદેવ અને જૂનાગઢમાં રાધારમણદેવ પધરાવ્યા. એ મંદિરોમાં રહી સત્સંગ કરવા અને કરાવવા માટે સંતો મૂક્યા. સમય જતાં જે-તે સંતો જે-તે મંદિરમાં પધરાવેલ દેવથી પોતાને ઓળખાવા લાગ્યા, જેમ કે નરનારાયણિયા, લક્ષ્મીનારાયણિયા, વગેરે..
એક દિવસ મહારાજે સંતોને બોલાવીને કહ્યું: “આમાં જે નરનારાયણિયા હોય તે આ બાજુ બેસો. જે લક્ષ્મીનારાયણિયા હોય તે આ બાજુ બેસો...” એમ મંદિર પ્રમાણે સંતોને અલગ-અલગ બેસાડ્યા. પછી કોઈ બાકી રહ્યું નહીં એટલે મહારાજે કહ્યું: “આમાં સ્વામિનારાયણિયા કોઈ નહીં? અમારી જનોઈ, અમારી જ કંઠી, અમારું જ તિલક છતાં અમારા કોઈ નહીં?” સર્વ સંતોને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તરત જ મહારાજને ચરણે પડી સૌ બોલ્યા, “મહારાજ! અમે બધા સ્વામિનારાયણિયા છીએ.”
વર્તમાન સંદર્ભમાં આ પ્રસંગને લઈએ તો આપણે સમૈયા-ઉત્સવમાં કે મંદિરમાં વિવિધ વિભાગોમાં સેવા કરવાનું થતું હોય છે. દરેક પોતાની જવાબદારી ગણી, ધણી થઈને સેવા કરતા હોય છે. પરંતુ ઘણી વાર ‘મારી સેવા’, ‘મારો વિભાગ’, ‘મારું મંડળ’, ‘મારું મંદિર’ – એવું મમત્વ બંધાઈ જાય છે. જેને કારણે અન્ય સેવા-વિભાગ-મંદિરના હરિભક્તો સાથે બરોબરિયાપણું-ઇર્ષ્યાના ભાવ જાગૃત થઈ જાય છે.
પરંતુ આપણે બધા એક જ ભગવાન, એક જ ગુરુ, એક જ સિદ્ધાંત અને એક જ સંસ્થાના આશ્રિત છીએ. સત્પુરુષ શરીર છે અને વિવિધ સેવા-વિભાગ-મંદિર એ શરીરના વિભિન્ન અંગ છે. જ્યારે આપણે કોઈ સેવા કે વિભાગની ઉપેક્ષા કરીએ છીએ કે સહકાર નથી આપતા તે અંતે તો સત્પુરુષને જ સહકાર નથી આપતા. અને જ્યારે અન્ય સેવા-વિભાગ-મંદિરને આપણે સહકાર આપીએ છીએ, તેની પ્રગતિથી આપણે રાજી થઈએ છીએ તે સત્પુરુષને જ સહકાર આપીએ છીએ. આવી સમજણ સાથે આપણી સેવા-ભક્તિ કરીએ તો તે સાર્થક નીવડે છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!