ભગવાન સ્વામિનારાયણ
105 views
Content
6 of 14
અજોડ વરદાન
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સંવત ૧૮૫૮ની કાર્તિક સુદ એકાદશીએ સવારથી જ સૌરાષ્ટ્રના જેતપુર શહેરમાં મંગલ ધ્વનિ ગૂંજી રહ્યો હતો. યજ્ઞની જ્વાળાઓ અને હુતદ્રવ્યોની સુંગધથી વાતાવરણ આહ્લાદક બન્યું હતું. શહેરની શેરીઓ અને માર્ગો હરિભક્તોથી છલકાતાં હતાં. પ્રસંગ હતો સહજાનંદ સ્વામીની સત્સંગમાં ગુરુપદે નિયુક્તિનો. વૈદિક વિધિને અનુસરી ગુરુ રામાનંદ સ્વામીએ શિષ્ય સહજાનંદ સ્વામીના કપાળમાં ચંદનની અર્ચા, કુમકુમનો ચાંદલો કરી ગળામાં હાર પહેરાવ્યો. ત્યાર બાદ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીની આરતી ઉતારી અને પોતાના સ્થાને સિંહાસન ઉપર બેસાડ્યા. રામાનંદ સ્વામીએ સૌ સંતો-હરિભક્તોને કહ્યું: ‘પૃથ્વી ઉપર ભાગવત ધર્મનું પ્રસ્થાપન કરવા અને અનંત જીવોને બ્રહ્મરૂપ કરી અક્ષરધામ પમાડવા, સ્વામી સહજાનંદજીરૂપે આજે આપણી સમક્ષ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. તેમને તત્ત્વે કરીને ઓળખી તેમના સ્વરૂપની નિષ્ઠા કરશો તો તમારા સૌનું કલ્યાણ થશે.’
એટલું કહી રામાનંદ સ્વામીએ આ પુનિત અવસરે સહજાનંદ સ્વામીને વરદાન માંગવા કહ્યું. તે સમયે સહજાનંદ સ્વામીએ બે હાથ જોડી માંગ્યું: ‘તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ પણ તમારા સત્સંગીને તે થાઓ નહીં; અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તે રામપત્તર મને આવે પણ તમારા સત્સંગી અન્ન-વસ્ત્રે કરીને દુઃખી ન થાય; એ બે વર મને આપો.’ રામાનંદ સ્વામી અને સર્વે હરિભક્તો અપાર કરુણાભરી આ અજોડ માંગણી સાંભળી આશ્ચર્ય અને અહોભાવમાં ગરકાવ થઈ ગયા.
અન્યના દુ:ખે દુ:ખી થનારા તો મળે, પરંતુ ભગવાન સ્વામિનારાયણે અન્યનું સઘળું દુ:ખ પોતાના માથે લઈ પોતાના આશ્રિત જનોને સુખિયા કરી દીધા. વચનામૃત કારિયાણી-૬માં શ્રીજી મહારાજે વાત કરી છે, ‘અમે તો જે મન, કર્મ, વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રીકૃષ્ણાર્પણ કરી રાખ્યો છે.’ આવા ભક્તવત્સલ હતા ભગવાન સ્વામિનારાયણ!
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!