ભક્તરત્નો
42 views
Content
1 of 17
અપેક્ષા રહિતનો સત્સંગ
Original
5 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
જૂનાગઢ પાસેનું અગતરાઈ ગામ. અહીં ભક્તરાજ પર્વતભાઈ રહેતા હતા. તેઓ રામાનંદ સ્વામીના શિષ્ય. પર્વર્તભાઈ, મુક્તાનંદ સ્વામી અને મયારામ ભટ્ટ – આ ત્રિપુટીએ નક્કી કર્યું હતું કે કોઈ હથેળીમાં રાધા-કૃષ્ણ બતાવે તો પણ રામાનંદ સ્વામી સિવાય બીજે મસ્તક ઝૂકાવવું નહીં. પરંતુ વર્ણીવેશે આવેલા શ્રીજીમહારાજના દર્શન કરતાં જ પર્વતભાઈને મહારાજ પ્રત્યે સર્વોપરી નિષ્ઠા થઈ.
સત્સંગમાં પર્વતભાઈ અગ્રગણ્ય હરિભક્ત ગણાતા. સત્સંગના અગત્યના નિર્ણયો લેવામાં રામાનંદ સ્વામી પર્વતભાઈને અવશ્ય સાથે રાખતા. મહારાજને જેતપુરમાં ગાદી સોંપવાનો રામાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો તેની સૌ પ્રથમ જાણ તેઓએ રામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને પર્વતભાઈને એકાંતમાં બોલાવીને કરી હતી. સત્સંગના આવા મોટેરા હરિભક્ત હતા પર્વતભાઈ.
વળી, તેઓની આધ્યાત્મિક સ્થિતિ પણ એવી જ ઉચ્ચ હતી. સાંતી હાંકતાં પર્વતભાઈ મહારાજને માનસીમાં જમાડતા હતા. તેટલામાં ખેડૂતે પર્વતભાઈને હલાવ્યા તો માનસીમાં ધરાવેલ રોટલા અને દહીં પર્વતભાઈના ખાલી હાથમાંથી ખરેખર સ્થૂળ રીતે દેખાય તેમ નીચે પડ્યા! એક વાર મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહેલું, “તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી છો. અમારા ખરેખરા સત્સંગી તો પર્વતભાઈ અને ગોરધનભાઈ છે.” સ્વરૂપાનંદ સ્વામીને પણ જ્યારે અંતરમાં અશાંતિ થઈ ત્યારે મહારાજે તેમને શાંતિના ઉપાય તરીકે પર્વતભાઈની વાતો સાંભળવા મોકલ્યા હતા.
પર્વતભાઈ એટલા જ સમર્પિત પણ હતા. એક વાર મહારાજે પર્વતભાઈ પાસે સદાવ્રત માટે દાણા માંગ્યા તો પોતે સંઘરેલું તમામ અનાજ - લગભગ સોળ કળશી અનાજ (૬૪૦૦ કિલો) - આઠથી દશ જેટલાં ગાડાંમાં ભરી અન્ય કોઈ વિચાર કર્યા વગર લોજ લઈ આવ્યા હતા.
આવા પર્વતભાઈ એક વખત મહારાજનાં દર્શન-સમાગમ માટે ગઢડા ગયા. તેઓ તો મહારાજ પાસે બેસી રહે, કથાવાર્તા સાંભળે અને દર્શન કરે. સાત દિવસ વીતી ગયા. મહારાજે એક દિવસ બ્રહ્મચારીને પૂછ્યું, “પર્વતભાઈ ક્યાં જમે છે?”
‘મહારાજ! એ તો દરબારમાં જમતા હશે.’ બ્રહ્મચારીએ કહ્યું.
મહારાજે જીવુબાને બોલાવી પૂછ્યું, તો તે કહે, ‘અહીં જમતા નથી? બ્રહ્મચારી જમાડતા હશે.’
મહારાજે પર્વતભાઈને બોલાવી પૂછ્યું, “તમે ક્યાં જમો છો?”
પર્વતભાઈએ વિનમ્રતાથી કહ્યું, “મહારાજ! દાળિયા ફાકી લઉં છું. આપના દર્શનમાત્રથી તૃપ્ત થઈ જવાય છે.” પર્વતભાઈની આવી દેહાતીત સ્થિતિ અને કોઈ પણ અપેક્ષા વિનાનું જીવન જોઈ મહારાજ રાજી થઈ ગયા.
મહારાજની આજ્ઞાથી પોતે સંઘરેલું બધું જ અનાજ સમર્પિત કરી દેનાર પર્વતભાઈને સાત-સાત દિવસ સુધી ગઢડામાં કોઈએ જમવાનું પણ પૂછ્યું નહીં. તો પણ તેઓને મનદુ:ખ થયું નથી. સત્સંગમાં ઢીલાશ આવી નથી. મહારાજ પ્રત્યે કે સંતો-હરિભક્તો પ્રત્યે અભાવ-મનુષ્યભાવ પણ આવ્યો નથી. પોતે નિરપેક્ષ રીતે સત્સંગ કરતા રહ્યા છે.
શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા પ્રથમ-૭૦માં કહે છે, “હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય, અથવા વાંઝિયો છું તે દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થઉં, કે ગામગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે,’ એવી જાતની જે પદાર્થની ઇચ્છા તે રાખીને સત્સંગ ન કરવો.”
આપણે પણ આવો અપેક્ષા રહિત અને કેવળ પોતાના કલ્યાણ માટે જ સત્સંગ કરીએ તો ભગવાન અને સંત રાજી થઈ જાય.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!