ભક્તરત્નો
42 views
Content
6 of 17
આ અમારા જતિ આવ્યા
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
લોયા ગામના પરમ ભક્તરાજ સુરા ખાચર. પોતાનું સમગ્ર જીવન તેઓએ સત્સંગપરાયણ કરી દીધું હતું. શ્રીજીમહારાજ સાથે અસાધારણ સ્નેહથી જોડાયેલા તેઓ મહારાજના પરમ સખા હતા. સત્સંગની ધર્મમર્યાદા તેઓ દૃઢપણે પાળતા. એમનું બ્રહ્મચર્યવ્રત તો એવું હતું કે સ્વયં કામદેવ પણ તેમને ડગાવી શકતા નહીં.
એક વાર તેઓ કામપ્રસંગે જસદણ ગયા હતા. ઠાકોર સાહેબની હવેલીમાં તેમનો ઉતારો હતો. ઠાકોર સાહેબ સ્વામિનારાયણના દ્વેષી હતા. ‘સુરાખાચરને ભ્રષ્ટ કરી સ્વામિનારાયણ ભગવાન અને તેમના ભક્તોની સમાજમાં ફજેતી કરવી’ એવો કુવિચાર તેમને આવ્યો.
રાત્રે બાર વાગે એક કુલટા સ્ત્રી તેમણે સુરાખાચર પાસે મોકલી. સ્ત્રીએ બારણું ખખડાવ્યું. સુરાખાચર સફાળા જાગી ગયા અને હાક મારી, “કોણ છે?”
સ્ત્રીએ દયામણા અવાજે કહ્યું, “અમે આ ઘરમાં રહીએ છીએ. મારા દીકરાને તાવ આવ્યો છે તેથી દવાની જરૂર છે. બારણું ઉઘાડો.”
શંકાશીલ હૃદયે સુરાખાચરે ધીરે રહીને બારણું ખોલ્યું, ત્યાં તો સ્ત્રી સફાળી અંદર પેસી ગઈ. તે સ્ત્રી વિવિધ કુચેષ્ટાઓ કરવા માંડી. સુરાખાચર એકદમ સજાગ થઈ ગયા અને પોતાની તલવાર ઉઘાડી. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે, “વિષયનો સંબધ થયા મોર્ય તો બકરાની પેઠે બીવું. ને વિષયનો સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું.” સુરાખાચરે સિંહ ગર્જના કરી. સ્ત્રીને ઉઘાડી તલવારથી ડરાવી તેને ઘર બહાર કાઢી મૂકી. પછી તો ‘અહીં રહેવામાં જોખમ છે’ એમ વિચારી રાતોરાત ઘોડો દોડાવી ગઢડા પહોંચી ગયા.
શ્રીજીમહારાજ દરબારગઢમાં સભા ભરીને બેઠા હતા તેટલામાં સુરાખાચર આવ્યા. મહારાજે સુરાખાચર તરફ નિર્દેશ કરી સભાજનોને કહ્યું, “આ અમારા જતિ આવ્યા. એકાંતમાં સ્ત્રીનો યોગ થયો પણ ભ્રષ્ટ ન થયા ને શુદ્ધ રહ્યા.” એમ કહી મહારાજ સુરાખાચરને ભેટી પડ્યા. કળિકાળમાં આવા નિયમ-ધર્મ પાળનાર આ દિવ્ય સત્સંગસમાજ રચીને ભગવાન સ્વામિનારાયણે ખરેખર કળિયુગમાં સતયુગ પ્રવર્તાવ્યો!
શ્રીજીમહારાજ વચનામૃત ગ.મ.૩૩માં સમજાવે છે, “જેને નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તે થકી અમે હજાર ગાઉ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ; અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે ને તે જો અમારી પાસે રહે છે તોય પણ તે લાખ ગાઉ છેટે છે. અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે.”
આપણે સત્પુરુષથી સ્થૂળ રીતે ગમે તેટલા દૂર હોઈએ પરંતુ અખંડ તેઓની પાસે રહેવાની ચાવી છે - નિષ્કામધર્મ. આજના ટેક્નોલોજીના યુગમાં આ નિયમમાં સહજતાથી ગાફલાઈ આવી જવાની શક્યતા રહે છે. સોશિયલ મીડિયા, ફિલ્મ, વેબસીરિઝ, ઇન્ટરનેટ વગેરેના અયોગ્ય ઉપયોગથી નિષ્કામધર્મમાં ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે. માટે જેનાથી નિષ્કામધર્મમાં ખોટ આવે તેવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી, ટેક્નોલોજીના વપરાશમાં વિવેક રાખી, ‘એક નારી સદા બ્રહ્મચારી’ એ નિયમ સારધાર પાળીએ તો આપણે પણ મહારાજ અને સત્પુરૂષના ખોળામાં જ બેઠા છીએ!
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!