ભક્તરત્નો
42 views
Content
10 of 17
ભક્તનો સુહૃદ - મારો પ્રાણ
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ઝીણાભાઈ શ્રીહરિના અનન્ય મહિમાવાળા ભક્તરાજ હતા. તેમને ભક્તોનો પણ એટલો જ મહિમા હતો. એક વાર તેઓ કોઈ કામ પ્રસંગે માંગરોળ ગયા. ત્યાં તેમને મહારાજના ભક્ત કમળશી વાંઝાની બીમારીના સમાચાર મળ્યા. તેથી તેઓની ખબર પૂછવા તેમના ઘેર ગયા. પરંતુ કમળશીભાઈની પરિસ્થિતિ જોઈને ઝીણાભાઈ વ્યથિત થઈ ગયા. કમળશીભાઈ ખાટલામાં પડ્યા હતા. દૈહિક ક્રિયાઓ બધી પથારીમાં જ થઈ જતી અને તેની સાફ-સફાઈ કોઈ કરતું નહીં. તેમના શરીર ઉપર માખીઓ બણબણતી હતી. ઝીણાભાઈને જોઈને કમળશીભાઈ રોઈ પડ્યા.
ઝીણાભાઈએ પૂછ્યું: ‘આમ કેમ?
ત્યારે કમળશીભાઈએ કહ્યું: ‘કોઈ ચાકરી કરતું નથી એટલે આ દશા થઈ છે. હવે તો મહારાજ ધામમાં લઈ જાય તો સારું.’ એ સાંભળી ઝીણાભાઈએ તેઓના દીકરાઓને બોલાવ્યા. કોઈ સેવા કરવા તૈયાર નહોતું. આ જોઈ ઝીણાભાઈને દુઃખ થયું. તેમણે કહ્યું: ‘અમે કમળશીભાઈને અમારા ઘરે પંચાળા લઈ જઈએ તો?’ ત્યારે સૌ કહે: ‘તો તો સાલ જાય. તમ તમારે ઉપાડો એમને!’ ઝીણાભાઈએ બજારમાં ફરીને ત્રણ મજૂરો શોધ્યા. ચોથો મજૂર ન મળતાં ખાટલાનો ચોથો પાયો ઝીણાભાઈએ સ્વયં પોતાના ખભે લીધો. એક હાથમાં ઘોડીની લગામ લઈને પંચાળાના ઠાકોર માંગરોળની બજારમાંથી પસાર થઈ રહ્યા હતા! થોડું અંતર કાપ્યું હશે ત્યાં ચોથો મજૂર મળી ગયો. કમળશીભાઈને ઝીણાભાઈએ ઘરમાં પોતાના જ ઓરડામાં નિવાસ આપ્યો ને ખંતપૂર્વક તેઓની સેવા-શુશ્રુષા કરવા લાગ્યા.
જ્યારથી આ કમળશીભાઈ પોતાના ઘરમાં આવ્યા ત્યારથી ઝીણાભાઈનાં બહેન અદીબા મોઢું ચડાવીને ફરતાં હતાં. પરંતુ પોતાના ભાઈ ગામધણી હતા, તેમને કેમ કહેવું! એક વાર કમળશીભાઈને માથું દુખતું હતું, તેથી લેપ ક૨વા ઝીણાભાઈએ અદીબા પાસે વાટેલાં મરી મંગાવ્યાં. પરંતુ અદીબાએ કહ્યું: ‘મરી ખૂટી ગયાં છે.’ ઝીણાભાઈ આ વાક્ય ગળી ગયા. ચારેક દિવસ પછી ઝીણાભાઈએ પોતાને માથું દુ:ખે છે એવો દેખાવ કરી મરી મંગાવ્યા. તો અદીબા તરત જ મરી વાટીને લાવ્યાં અને કહ્યું: ‘ભાઈ! લ્યો તમને કપાળ ઉપર લેપ કરી દઉં.’ ઝીણાભાઈએ વાટકો હાથમાં લીધો અને જોરથી તેનો ઘા કરી ફળિયામાં ફેંકી દીધો. પછી કહ્યું: ‘મરી ક્યાંથી મળ્યાં? એક ભક્તને મેં અહીં રાખ્યો છે તે તને ડંખે છે. તે શું હું નથી જાણતો! તું આજથી મારી બહેન નહીં. આ તારું મોં મને કદી બતાવીશ નહીં.’
ઝીણાભાઈએ એક ભક્તનો પક્ષ રાખી પોતાની બહેન સાથે અબોલા લઈ લીધા! આ વાત અદીબાએ મહારાજને કરી. શ્રીહરિએ ઝીણાભાઈને સમજાવ્યા. બહેને રડીને માફી માંગી. મહારાજના કહેવાથી ઝીણાભાઈએ અબોલા તોડ્યા. અંતિમ શ્વાસ સુધી તેઓએ કમળશી વાંઝાની સેવા કરી. એ સમયમાં જ્ઞાતિના ભેદભાવના કારણે કહેવાતી નીચી જ્ઞાતિના લોકો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર સમાજમાં થતો. એવા સમયમાં ગામધણી ઝીણાભાઈએ આ હરિજન ભક્તની ભક્તિભાવથી સેવા કરી હતી. એટલે જ ઝીણાભાઈ ધામમાં પધાર્યા ત્યારે મહારાજે સ્વયં તેઓની નનામીને કાંધ આપી હતી. જેટલાં ડગલાં કમળશીભાઈનો ખાટલો ઊંચકીને ઝીણાભાઈ ચાલ્યા હતા તેથી બમણાં ડગલાં ચાલી મહારાજે ઝીણાભાઈની સેવાને અમર શ્રદ્ધાંજલિ આપી દીધી.
મહારાજે કહ્યું છે કે, ‘જે ભક્ત સુહૃદ થયો એ અમારો પ્રાણ થયો.’ જો આપણે ભગવાનના ભક્તના સુહૃદ થઈએ - યથાશક્તિ સેવા, સરભરા, સહાયતા કરીએ - તો આપણે પ્રભુના પ્રાણ સમાન બની જઈએ. એથી મોટો લાભ જીવનનો બીજો શું હોઈ શકે!
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!