ભક્તરત્નો
42 views
Content
2 of 17
અનન્ય સમર્પણ
Original
1 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
શ્રીજીમહારાજની ભક્તમાળમાં સુમેરૂ સમાન ભક્તરાજ એટલે દાદાખાચર. શ્રીજીમહારાજ સાથે અનન્ય પ્રીતિથી જોડાયેલા દાદાખાચર હંમેશા મહારાજની પ્રત્યેક આજ્ઞા પાળવામાં તત્પર રહેતા. મહારાજ એમને ઘણીવાર કપરી કસોટીમાંથી પસાર કરતા, પરંતુ દાદાખાચર એ પ્રત્યેક કસોટીમાંથી સારધાર પાર ઉતરતા. અને એટલે જ મહારાજ સૌને કહેતા, “દાદો તે દાદો. દાદો તો મારું સર્વસ્વ છે. તેના વગર હું રહી શકતો નથી.”
એક વાર મહારાજે દાદાખાચરને બોલાવીને કહ્યું: “દાદા! આ ગરાસ તમારી બહેનોને લખી દ્યો.” મહારાજની આજ્ઞા પાળવામાં તત્પર દાદાખાચરે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર તરત જ તમામ ગરાસ બહેનોને લખી આપ્યો. મહારાજે દાદાને કહ્યું: “તમારો હવે અહીં રહેવાનો હક નથી. રહેવું હોય તો નોકર થઈને રહો.” દાદાખાચર પોતાના જ ઘરમાં નોકર થઈને રહેવા લાગ્યા!
એક વાર સભામાં મહારાજે જાહેરમાં દાદાખાચરને કહ્યું: “તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. હાલ ને હાલ જતા રહો.” આ સાંભળી સભામાં બેઠેલા ઘણાને મનમાં દ્વિધા થઈ કે 'આવા ઉત્કૃષ્ટ ભક્તરાજ સાથે મહારાજ આમ કેમ કરતા હશે?' પરંતુ દાદાખાચરને આવો કોઈ પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યો નહિ. એક પણ શબ્દ બોલ્યા વિના તેઓ મહારાજના ચરણસ્પર્શ કરી પત્ની જશુબા અને પુત્ર બાવાખાચરને લઈને નીકળી ગયા. બાવાખાચર ભૂખ લાગવાથી રડતો હતો. એટલે તેને છાનો રાખવા દાદા કોઠારમાં ચણા લેવા ગયા. તો હરજી ઠક્કરે ચણા આપવાની ના પાડી કે 'મહારાજની આજ્ઞા નથી.' દાદાખાચર કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા.
દાદાખાચર ગામને પાદર પહોંચ્યા હશે ત્યાં દરબારમાં મહારાજ અચાનક રડવા લાગ્યા અને કહ્યું, “દાદાને કોઈ પાછો બોલાવો.” દાદાખાચર પાછા આવ્યા એટલે મહારાજ તેમને ભેટી પડ્યા. અને પછી બહેનો પાસેથી ગરાસ લઈ પાછો દાદાને આપ્યો.
આવી કઠણ પરીક્ષા કરી તો પણ દાદાખાચર ડગ્યા નથી. કઠપૂતળીની જેમ મહારાજે દાદાને નચાવ્યા, તો પણ મહારાજ પ્રત્યે સંશય થયો નથી.
મહારાજના કહેવાથી દાદાખાચરે પોતાનો સમગ્ર દરબાર સંતો-હરિભક્તોને રહેવા માટે સમર્પિત કરી દીધો હતો. મહારાજ વારંવાર ગઢડામાં સમૈયા-ઉત્સવ કરતા અને તેમાં હજારો ભક્તો આવે તેમની સાર-સંભાળ, રહેવા-જમવાની વ્યવસ્થામાં ઘણો ખર્ચ થતો. દાદાખાચરના ગરાસનો પ્રશ્ન ભાવનગરની કચેરીમાં ચાલતો હતો. તેથી આર્થિક પરિસ્થિતિ પણ કથળેલી હતી. છતાં ક્યારેય દાદાખાચર મહારાજ માટે, ભક્તો માટે ખર્ચ કરવામાં પાછું વળીને જોતા નહીં. એટલું જ નહીં ક્યારેય મહારાજને પોતાની કથળેલી સ્થિતિ વિષે ફરિયાદ કરી નથી. તેઓને સંશય પણ થયો નથી કે મહારાજ તો સાક્ષાત્ ભગવાન છે તો મારું દુ:ખ કેમ ટાળતા નહીં હોય?
મહારાજ દાદાના દરબારને પોતાનું ઘર માનીને ૨૮ વર્ષ સુધી રહ્યા. તેનું કારણ જણાવતાં મહારાજે કહ્યું હતું, “આ દાદાખાચરને અમે દિવસમાં પાંચ ખાસડાં મારીએ તો પણ ખમે છે. અમે એને એક ઠેકાણે રહેવા દેતા નથી અને અત્યાર સુધી છપ્પન વાર ઉતારો ફેરવાવ્યો હશે, પરંતુ દાદો મનમાં ‘મહારાજ આમ શીદ કરતા હશે!’ એમ ક્યારેય સંકલ્પ કરતા નથી. આ કારણથી હું અહીં રહ્યો છું.”
દાદાખાચર જેવો સમર્પણભાવ, ભગવાનના સ્વરૂપમાં દૃઢ નિષ્ઠા, નિ:સંશયપણું અને દિવ્યભાવ હોય તો ગમે તેવા સુખ-દુ:ખની પરિસ્થિતિઓમાં સત્સંગમાંથી આપણો પગ પાછો ના હઠે અને શ્રીજીમહારાજ આપણા હૃદયને પણ પોતાનું ઘર માનીને અખંડ આપણી સાથે રહે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!