ભક્તરત્નો
45 views
Content
9 of 17
સેવાનું વ્યસન
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ગઢપુરમાં પ્રાતઃકાળે હરિભક્તો નિત્યનિયમ મુજબ શ્રીહરિનાં દર્શન કરવા અક્ષર ઓરડીએ જઈ રહ્યા હતા. તે સમયે સર્વની દૃષ્ટિ કૂતરાએ બગાડેલ ઓટા ઉપર પડતી. માંહોમાંહી સૌ વાતો કરતાં કે, ‘અ૨૨! મહારાજના બેસવાના ઓટા ઉપર જ આ કૂતરાએ મળથી બગાડ્યું.’ ‘હવે મહારાજ સભા કરવા ક્યાં બિરાજશે?’ ‘બહુ ખોટું થયું’ ‘પણ શું થાય? કૂતરાનો સ્વભાવ જ આવો હોય.’
ગંદકી તો નજર સામે હતી, પણ સૌ તેની ચર્ચા કરી, ઉપેક્ષા-અણગમો દર્શાવી આગળ વધી રહ્યા હતા. થોડી વાર થઈ ત્યાં ઉકાખાચર ઘેલા નદીમાં સ્નાન કરીને શ્રીહરિનાં દર્શન કરવા અક્ષર ઓરડીએ જતા હતા, ત્યાં તેઓની દૃષ્ટિ લીંબતરુ નીચેના આ ઓટા ઉપર પડી. તેમને થયું કે ‘થોડીવારમાં તો મહારાજ અહીં ઓટા ઉપર કથા કરવા પધારશે. હું આ સાફ કરી દઉં તો સૌને કથાનો સારી રીતે લાભ મળે અને મારી સેવા પણ થઈ જાય.’ તત્કાળ સાવરણી અને પાણી લઈ તેઓએ ઓટાને સાફ કરી નાખ્યો, ઘેલા નદીમાં જઈને ફરી સ્નાન કર્યું. પછી શ્રીહરિનાં દર્શન કરવા પધાર્યા ત્યારે અંતર્યામી હરિવરે સૌને પાઠ શીખવવા સામેથી તેઓને પૂછ્યું: ‘ભક્તરાજ! રોજ તમે વહેલા આવો છો, પરંતુ આજે મોડું કેમ થયું?’
ઉકાખાચર તો મૂકસેવક હતા, પોતે કરેલી સેવાની વાત સ્વમુખે કરવા તેઓની જીભ ન ઊપડી. તેઓ મૌન રહ્યા. એક ભક્તે ઉપરનું વૃત્તાંત જણાવી, તેમના મોડા આવવાનું કારણ મહારાજને જણાવ્યું. સૌને એવી ધારણા હતી કે મહારાજ તેમને મોડા આવવા બદલ ઠપકો આપશે. ત્યાં તો શ્રીહરિ આ વાત સાંભળી ખૂબ જ રાજી થયા અને ઊભા થઈ તેમને ભેટી પડ્યા. છાતીમાં ચરણારવિંદ આપ્યાં. સર્વ સત્સંગીઓને સંબોધીને શ્રીહરિ બોલ્યા: ‘તમે બધાએ લીંબતરુ નીચે કૂતરાના મળથી બગડેલો ઓટો જોયો હતો. છતાં તે સાફ કરવાનો સંકલ્પ કોઈને થયો નહીં. પરંતુ ઉકાખાચ૨ની જેમ જેને અમારું માહાત્મ્ય સમજાયું હોય તથા સેવાનું અંગ હોય તે જ આ સેવા કરી શકે.’
ઉકાખાચરની સેવા માટેની શ્રદ્ધા અદ્ભુત હતી. તેઓ તથા તેમનાં ધર્મપત્ની સવારના વહેલાં ઊઠી સ્નાન-પૂજાથી પરવારી દરરોજ દાદાના દરબારથી ઉન્મત ગંગા સુધીનો રસ્તો સાવરણીથી વાળી નાખતાં ને નાના-મોટા કાંકરા વીણી લેતાં, જેથી સંતો અને શ્રીહરિ પ્રાતઃકાળે સ્નાન કરવા પધારે ત્યારે કોઈને પગે કાંટા-કાંકરા વાગે નહીં. ઉનાળામાં તો રસ્તો વાળ્યા બાદ પાણી પણ છાંટી દેતાં, જેથી સૌને ઠંડકનો અનુભવ થાય. ઉકાખાચરને સેવાનું આવું વ્યસન પડ્યું હતું. શ્રીહરિના સંબંધવાળા તમામ સંતો-હરિભક્તોનો મહિમા સમજી ઉકાખાચર શ્રીહરિની પ્રસન્નતા પ્રાપ્ત થાય તે માટે એકધારી સેવા કરતા. ઉકાખાચર આખા સંપ્રદાયમાં તેમના નિર્માનીપણા માટે તથા સેવાના અંગ માટે પ્રસિદ્ધ છે. શ્રીહરિએ તેમની સેવાથી પ્રસન્ન થઈ ગઢડા મધ્ય પ્રકરણના ૨૫મા વચનામૃતમાં જણાવ્યું છે કે, ‘જેને ઉકાખાચરના જેવું સેવા કરવાનું વ્યસન હોય તેની વાસના તત્કાળ નાશ પામે છે.’
સેવાની આવી તકો ઘણી વાર આપણી નજરે પણ પડતી હશે. ત્યારે આ તો ‘કિચનવાળાની’, ‘ફેસિલિટીઝવાળાની’, ‘મેઇનટેનન્સવાળાની’, ‘સભાવાળાની’ સેવા છે એમ વિચારીને ત્યાંથી ચાલી નીકળીએ છીએ કે ઉકાખાચરની જેમ પોતાનું માનીને મહિમાથી સેવા કરી લઈએ છીએ? ઉકાખાચરની જેમ સેવાની તક ઝડપી લઈ મહિમાથી, શ્રદ્ધાથી, નિર્માનીપણે કેવળ ગુરુહરિને રાજી કરવા કરીએ તો આપણને સેવાનું યથાર્થ ફળ મળે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!