ભક્તરત્નો
42 views
Content
15 of 17
આ ટાણું કેમ ચૂકાય?
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સારંગપુર મંદિરમાં ધર્મકુળની મૂર્તિઓની પ્રતિષ્ઠાનો પ્રસંગ નજીક આવતો હતો. એ અરસામાં શાસ્ત્રીજી મહારાજ રઢુ પધાર્યા હતા. રઢુથી એક ગાઉ ઉપર પુરુષોત્તમપુરામાં આશાભાઈ, ઇશ્વરભાઈ અને મોતીભાઈની જમીન ને રહેઠાણ હતા. આ સમય દરમ્યાન જ તેઓએ કપાસ, અનાજ વગેરેના ગંજ ભરવા માટે નવીન આલીશાન બંગલો કરાવ્યો હતો અને તેમાં પોતાની શાખ પ્રમાણે રાચરચીલું પણ સારું રાખ્યું હતું. આ બંગલામાં આ વર્ષનો પાક - છસ્સો મણ કપાસ, સાતસો મણ ચણા અને એક હજાર મણ ઘઉં તથા બીજી પરચૂરણ વસ્તુઓ વેચાણ માટે તૈયાર થઈને પડી હતી. પરંતુ અકસ્માતથી કપાસમાં સળગતી દીવાસળી પડી ને આગ ચંપાઈ. જોતજોતાંમાં તો આગે વ્યાપક સ્વરૂપ પકડી લીધું ને તમામ માલ-મિલકતને અગ્નિની જ્વાળાઓ ચડચડ કરતી ભરખી ગઈ. જીવ બચાવી સૌ પહેરેલે કપડે ઘરમાંથી બહાર માંડ નીકળી શક્યા.
રઢુમાં આ સમાચાર આશાભાઈને મળ્યા. શાસ્ત્રીજી મહારાજની કૃપાથી મળેલી જ્ઞાનદૃષ્ટિથી તેમને કોઈ શોક ન થયો. પુરુષોત્તમપુરા આવીને જોયું તો બધું જ ભસ્મીભૂત થઈ ગયું હતું. કોઈનું પણ કાળજું તૂટી જાય તેવી પરિસ્થિતિ હતી, પણ આ પરિવારની દૃઢ સમજણ હતી કે પોતાની કસોટી કરવા ભગવાનનું જ આ કર્તવ્ય છે. માણસ મોકલી રઢુથી ખીચડી મંગાવી ત્યારે સૌ રાતનું જમવા ભેગા થયા. બીજે દિવસે શાસ્ત્રીજી મહારાજ પધાર્યા. નુકસાન જોઈને ઘણા જ દુઃખી થયા. બંને ભાઈઓને સાંત્વન તો આપ્યું, પણ હજુ પરીક્ષા બાકી રહી હોય એમ સ્વામીશ્રીએ કહ્યું: ‘આ તો આપણા જ કાર્યમાં વિઘ્ન આવ્યું. આપણે સારંગપુર મંદિરની મૂર્તિ માટે પૈસા લેવા આવ્યા અને આ ઉપાધિ આવી.’ આવી વિષમ પરિસ્થિતિમાં આવા ઉદ્ગારો સાંભળી બીજાને તો મનુષ્યભાવ આવી જાય, પણ આશાભાઈ, ઈશ્વરભાઈ અને મોતીભાઈ - આ ભક્તો જુદી માટીના હતા. તેઓને શાસ્ત્રીજી મહારાજ માટે સાક્ષાત્ ભગવાનનો ભાવ હતો.
આપત્કાળમાં પણ આજ્ઞાનું પાલન કરી છૂટવાની તેમને તમન્ના હતી. આશભાઈએ શરાફને ત્યાંથી વ્યાજે રકમ લઈ આવવા મોતીભાઈને જણાવ્યું. રકમ આવતાં આશાભાઈએ સ્વામીશ્રીને ચરણે ધરી. સ્વામીશ્રી તો આ રકમ જોઈ સ્તબ્ધ થઈ ગયા અને પૂછ્યું: ‘આ ક્યાંથી લાવ્યા?’ ત્યારે આશાભાઈએ કહ્યું: ‘આપને માટે આભ-પાતાળ એક કરવાં હોય તો કરીએ. માટે આપ આ રકમ સ્વીકારો અને અમારા પર રાજી થાવ.’ સ્વામીશ્રી રાજી-રાજી થઈ ગયા. પ્રેમથી આ ભક્તોને ભેટી પડ્યા અને કહ્યું: ‘આ વિષમ પરિસ્થિતિમાં જ્યાં અન્ન-વસ્ત્રનું ઠેકાણું નથી ત્યાં વ્યાજે રકમ લાવીને આપવી તે કોઈથી થાય નહીં!’ ત્યારે મોતીભાઈએ સ્વામીશ્રીને કહ્યું: ‘અત્યારે તો જે મોજ આપી શકે એવા સમર્થ હોય તે જ માંગે. આપ તો શ્રીજીમહારાજનું સ્વરૂપ છો. જો આ અવસર ચૂકીએ તો તમે જે મોજ આપવા પધાર્યા છો, તે ટાણું અમારે જાય.’
સાનુકૂળતા હોય તો તો કદાચ સેવા થાય, પરંતુ પ્રતિકૂળતામાં, મુશ્કેલીના સમયમાં, વિપત્તિઓની વચ્ચે પણ સેવા થાય એ સમજણ કેવી? પોતાનું સર્વસ્વ બળીને રાખ થઈ ગયું હોય ત્યારે પણ ગુરુના વચને સમર્પિત થઈ જનારા આ ભક્તોના હૈયે કેવો ગુરુમહિમા હશે! સમર્પણનો આથી મોટો દાખલો દુનિયામાં ક્યાં મળે?
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!