ભક્તરત્નો
42 views
Content
11 of 17
ભક્તરાજ શિવલાલ શેઠ
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં નવ લાખના આસામી ગણાતા શિવલાલ શેઠને સત્સંગના સંસ્કાર જન્મથી વારસાગત મળ્યા હતા. બાળપણથી જ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી જેવા મહાસમર્થ સંતોનાં દર્શન તથા સેવા-સમાગમનો એમને સતત યોગ રહેલો. એટલે સંસારમાં સહેજે જ અનાસક્તભાવ સાથે તેમની ભક્તિની અભિરુચિ પોષાતી રહેલી.
શરૂઆતના સમયમાં તેઓ ગોપાળાનંદ સ્વામીનો વિશેષ સમાગમ કરતા. પરંતુ સ્વામી ધામમાં જવાના થયા ત્યારે તેઓને ભલામણ કરેલી કે ‘તમારે વ્યવહાર અને મોક્ષ બંને શીખવા હોય તો જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પાસે જજો.’ સ્વામીની આજ્ઞા મુજબ શિવલાલભાઈગુણાતીતાનંદ સ્વામીનો અત્યંત ખપ અને મુમુક્ષુતાથી સમાગમ કરતા. સંપ્રદાયમાં તેઓની આર્થિક સેવા પણ ખૂબ મોટી રહેતી. ગઢપુરમાં જ્યારે હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ત્યારે એ જમાનામાં તેઓએ ૨૨,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરી અદ્ભુત સમૈયો કરાવ્યો હતો. આવા મોટા દાતા હોવા છતાં તેઓની વિશેષતા એ હતી કે અત્યંત નિર્માનીપણે સત્સંગનો લાભ લેતા.
એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી સભામાં વાતો કરતા હતા અનેકોઈકના ચાવવાનો કટ-કટ અવાજ આવતો હતો. એટલે સ્વામીએ પૂછ્યું: ‘આ સભામાં હાડકું કોણ કરડે છે?’ વાત એમ હતી કે શિવલાલભાઈ સોપારી ચાવતા હતા. તેનો અવાજ આવતો હતો. બીજો કોઈ મોટો માણસ હોય તો પોતાની ઓળખ છુપાવવા પ્રયત્ન કરે, પણ આવા પ્રતિષ્ઠિત ગૃહસ્થ હોવા છતાં શિવલાલભાઈ ભરસભામાંથી ઊભા થયા. બહાર જઈ સોપારી થૂંકી આવ્યા અને પાછાસભામાં આવીને બેસી ગયા. તે ઘડીથી પોતે સોપારી ન ખાવાનો નિયમ લીધો, પણ સ્વામીની ટોકણીથી શિવલાલ શેઠનું મન લેશ પણ દુભાયું-કચવાયું નહીં! આટલી મોટી આર્થિક સેવા અને પ્રતિષ્ઠા હોવા છતાં ભરસભામાં આવું અપમાન સહજતાથી સહન કરનાર શિવલાલભાઈના અંતરમાં સત્સંગનો ખપ કેવો હશે!
સ્વામીની કૃપાથી તેઓના જીવનમાં દૃષ્ટિનો સંયમ પણ પરાકાષ્ઠાએ હતો. કુટુંબમાં કોઈ માંગલિક પ્રસંગે તેઓના સાળી એમને ઘેર આવેલાં. ભક્તિમય જીવન, બહોળું કુટુંબ અને સ્ત્રીઓ સાથે પ્રયોજન વગર વાતચીત ન કરવાની ટેવવાળા શિવલાલભાઈને, બે-ત્રણ માસથી સાળી ઘરમાં હોવા છતાં ખબર પડેલી નહીં. પરંતુ એક દિવસ તેઓ જમવા બેઠા હતા અને તેમનાં સાળી પીરસવા આવ્યાં. તેમનાથી ભાતમાં ઘી વધારે પડી ગયું, ત્યારે સહેજ ઊંચું જોવાઈ જતાં તેમની દૃષ્ટિ સાળી ઉપર પડી અને સ્વાભાવિક પૂછ્યું: ‘તમે ક્યારે આવ્યા?’ આ સાંભળી તેમનાં સાળી તો આશ્ચર્યચકિત થઈ ગયા કે મહિનાઓથી ઘરમાં રહેવા છતાં આંખ ઊંચી કરી સ્ત્રી સામે જુએ પણ નહીં તે દૃષ્ટિનો કેવો ગજબ સંયમ!
એમનું ધ્યાનનું અંગ પણ જબરું હતું. એક વખત પિતા ભગા દોશીએ એમને કહ્યું કે, ‘શિવલાલ! તારા જેવું ધ્યાન કરતાં મને શીખવાડ.’ ત્યારે શિવલાલભાઈ કહે: ‘બાપા! મારા જેવું ધ્યાન તમારાથી નહીં થાય, કારણ હું તો પહેલાં આપણી આ હવેલી અને બોટાદ શહેરને ફરતી આગ ચાંપું છું ને તેની રાખનો ઢગલો કરી, દેહને ખોટું કરીને તેના ઉપર બેસું છું...’
આ રીતે સત્સંગનાં સિદ્ધાંતો આત્મસાત્ કરી શિવલાલ શેઠ સેવા-ભક્તિ કરતા. અગ્રણી દાતા અને પ્રતિષ્ઠિત સદ્ગૃહસ્થ હોવા છતાં નિર્માનીપણે અને અત્યંત મુમુક્ષુતાથી સત્સંગ કરતા શિવલાલ શેઠનું જીવન આપણા સૌ માટે અત્યંત પ્રેરણાદાયીછે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!