ભક્તરત્નો
42 views
Content
4 of 17
ભગવાન અને સંતને અર્થે શું ન થાય
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ભુજના લાધીબાઈ રામાનંદ સ્વામીના શિષ્યા હતાં. રામાનંદ સ્વામીના ધામગમન બાદ ભુજના રઘુનાથજીના મંદિરમાં રઘુનાથજીની મૂર્તિમાં તેમને શ્રીજીમહારાજનાં દર્શન થયાં. ત્યારથી તેમને મહારાજ પ્રત્યે પુરુષોત્તમપણાનો નિશ્ચય થઈ ગયો. તેઓ તન-મન-ધનથી શ્રીજીમહારાજને સમર્પિત થઈ, તેમનું અનન્ય ભાવથી ભજન કરવા લાગ્યાં. મહારાજની કૃપાથી તેમને સમાધિ થતી.
લાધીબાના સંકલ્પથી મહારાજે ભુજમાં અદ્ભુત અન્નકૂટોત્સવ ઉજવ્યો હતો. તે સમયે મહારાજે સભામાં સ્વરૂપનિષ્ઠા દૃઢાવતાં કહ્યું: “અમારા સ્વરૂપની નિષ્ઠા દૃઢ રહેશે તો કૃપા પણ સદા રહેશે. નિષ્ઠામાં સંકલ્પ-વિકલ્પ થાય, કુતર્ક થાય તો અમે લાચાર બની જઈશું.” આ નિષ્ઠાના શબ્દો લાધીબાએ હૃદયસ્થ કરી લીધા.
એક વાર મહારાજે લાધીબાની દૃઢતા જોવા તેમને આજ્ઞા કરી કે, “તમે સાડલો ને ચૂડલો પહેરી, કપાળમાં ચાંદલો કરી, સેંથો પાડીને, ભીડને નાકેથી પાણીનું બેડું ભરીને અહીં આવો.”
એ વખતના રૂઢિચુસ્ત સમાજમાં એક વિધવા તરીકે લાધીબા માટે આ આજ્ઞા અત્યંત કપરી હતી છતાં તેમણે તો સુવાસિની જેવો વેશ કાઢ્યો. તેમને મનમાં કુતર્ક ન થયો કે સમાજ શું વિચારશે? માથે બેડું લઈ, કીર્તન ગાતાં-ગાતાં તેઓ તો ભરબજારમાંથી નીકળ્યા. સૌ કોઈ લાધીબાનો સુવાસિનીનો વેશ જોઈ આશ્વર્યમાં પડી ગયા. કોઈકે આ જોઈ મશ્કરીમાં પૂછ્યું, “લાધી! કોનું ઘર માંડ્યું?”
“પુરુષોત્તમ નારાયણનું!” કેફમાં લાધીબાએ ઉત્તર વાળ્યો. તેઓ જ્યારે પાછા આવ્યા ત્યારે મહારાજ તેમની નિષ્ઠા જોઈ અતિશય રાજી થઈ ગયા.
શ્રીજીમહારાજે વચનામૃત લોયા.૩માં કહ્યું છે, “જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.” આવો માહાત્મ્ય સહિત નિશ્ચય હોય ત્યારે ‘લોકો શું વિચારશે’ તેવા ભાવો ન રહેતા, કેવળ એક મહારાજ અને સત્પુરુષ સામે જ નજર રહે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!