ભક્તરત્નો
42 views
Content
8 of 17
શિર સાટે સત્સંગ
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સુંદરિયાણા ગામમાં મોઢ વણિક જ્ઞાતિના શ્રેષ્ઠી હિમરાજ શાહ રહેતા. વૈષ્ણવ સંપ્રદાયના આગેવાન આ હરિભક્ત વલ્લભ સ્વામીનું ભજન કરે. તેમના ત્રણ પુત્રોમાં સૌથી મોટા વનાશાને સત્સંગ થયો. વનાશા ઘણી વાર પિતાશ્રીને સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાત કરે, ત્યારે હિમરાજ શાહ કહે: ‘સ્વામી તો એક વલ્લભ સ્વામી જ; બીજા બધા દેવતુલ્ય.' એવી દૃઢ ટેકવાળા હિમરાજભાઈ હતા.
એક વખતે યોગમૂર્તિ ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણામાં પધાર્યા. હિમરાજભાઈ સ્વામી પાસે કોઈ રીતે આવે તેમ નહોતા, પરંતુ વૈદકમાં નિષ્ણાત એવા હિમરાજભાઈ પરોપકાર ભાવનાથી સાધુ-સંતોની સેવા પ્રેમથી કરતા. ‘ગોપાળાનંદ સ્વામીની તબિયત નરમ છે' એમ કહી, નાડી જોવાના બહાને વનાશાએ પોતાના પિતાને મંદિરમાં આવવા કહ્યું. તરત જ તેઓ સ્વામીની તબિયત જોવા પધાર્યા. ગોપાળાનંદ સ્વામી સૂતા હતા તેમની પાસે બેસી હિમરાજભાઈએ નાડી જોવા કાંડું પકડ્યું. ક્યાંય નાડી હાથમાં આવી નહીં. હાથ, પગ, કંઠ, સાથળ જ્યાં નાડી પકડવા જાય ત્યાંથી ખેંચાઈ જાય પણ તેમના હાથમાં ન આવે. આથી, તેમને ઘણું જ આશ્ચર્ય થયું ને મનોમન વિચાર કરવા લાગ્યા કે, ‘આ કોઈ સામાન્ય મનુષ્ય નથી, પણ અષ્ટાંગયોગસિદ્ધ યોગીપુરુષ છે. જો શિષ્યમાં આટલું દૈવત હોય ત્યારે તેમના ગુરુ સ્વામિનારાયણ તો નક્કી ભગવાન હોવા જોઈએ.’ પોતે ગોપાળાનંદ સ્વામીનાં ચરણોમાં મસ્તક ઝુકાવી દીધું ને મનમાં દૃઢ નિશ્ચય કરી, વર્તમાન ધરાવી સત્સંગી થયા.
ત્યારપછી તેઓ પ્રગટ પુરુષોત્તમ શ્રીજીમહારાજનું ભજન કરવા લાગ્યા. તેમનાં સગાં-સંબંધીઓથી આ સહન ન થયું. તેઓએ સ્વામિનારાયણનો આશરો મૂકી દેવા હિમરાજભાઈને ખૂબ સમજાવ્યા, પણ આ ભક્તરાજ પોતાના નિર્ણયમાં મક્કમ હતા. આથી સૌ નાતીલાઓએ ભેગા મળીને નક્કી કર્યું કે હિમરાજભાઈને નાતબહાર કરવા. તેઓ સાથે કોઈએ વ્યવહાર ન રાખવો. અને તેમના કોઈ પ્રસંગમાં જમવા પણ ન જવું. તે મુજબ છ વર્ષ પસાર થઈ ગયાં. હિમરાજભાઈનો અંતકાળ નજીક આવ્યો. પોતાના ત્રણ દીકરાઓ વનાશા, પુંજાશા, જેઠાશા તથા ભત્રીજા ભગાભાઈ - એ ચારેયને બોલાવીને હિમરાજભાઈએ શિખામણ આપી કે, ‘આ સંસાર તો નાશવંત છે. માટે ધીરજ રાખી અને કોઈથી ડર્યા વગર સત્સંગની ટેક દૃઢપણે રાખવી. શ્રીજી રીઝે એમ કરવું.' એટલું કહી શ્રીહરિનું સ્મરણ કરતાં કરતાં હિમરાજભાઈએ દેહ મૂકી દીધો. પછી નાતના રિવાજ પ્રમાણે કારજ કરવાનો પ્રસંગ આવ્યો. હિમરાજભાઈની શાખ મોટી, તેથી દીકરાઓએ ગામોગામ કંકોતરી લખી. ઘી, ખાંડ, ગોળ વગેરે મોટા પ્રમાણમાં સીધું-સામગ્રી ખરીદીને તૈયાર કર્યું. બરાબર લાગ જોઈને સત્સંગ મુકાવવા નાતના અગ્રણીઓ આવ્યા અને કહ્યું કે, ‘સત્સંગ રાખશો તો સૌ તમને નાતબહાર મૂકશે અને વૃદ્ધ ડોસાનું કારજ બગડશે. માટે સ્વામિનારાયણની કંઠી તોડી નાખો, તો સૌ જમવા આવશે.’ ત્યારે વનાશા કહે: ‘મચ્છરના ભયથી કોઈ હવેલીનો ત્યાગ કરતું નથી. તેમ નાતનો ડર રાખી સ્વામિનારાયણને નહીં મૂકીએ અને કંઠી નહીં તોડીએ. એ તો શિર સાટે છે.’ આ સાંભળી શેઠિયાઓએ છેવટનો ઉપાય દર્શાવતાં કહ્યું: ‘છેવટે કારજના દિવસ પૂરતી કંઠી કાઢી નાખો. અરે! એટલું પણ ન થઈ શકે તો લોકો જમી રહે ત્યાં સુધી ઓરડામાં ત્રણેય ભાઈઓ છુપાઈ રહેજો.’ વગેરે ઘણી શરતો મૂકી. પણ આ ભાઈઓ મક્કમ હતા કે, ‘પૃથ્વી રસાતળ જાય તો પણ સત્સંગ છોડવો નથી.’
આથી ગામોગામ પત્રો પહોંચી ગયા કે, ‘હિમરાજભાઈના કારજમાં જે જમવા જશે તે નાતબહાર છે.’ આ સમાચાર મળવાથી વનાશાએ ભગાભાઈ તથા પોતાના દીકરા હીરાભાઈને ગઢપુર મોકલ્યા. બંને ભાઈઓએ શ્રીહરિને બધી પરિસ્થિતિની જાણ કરી અને સંતમંડળ સહિત સુંદરિયાણા પધારવા અંતરથી વિનંતી કરી. ‘આ ભાઈઓએ આપણા માટે નાતનો ત્યાગ કર્યો અને આવી દૃઢ ટેક રાખી!’ તે જાણી શ્રીહરિની આંખમાંય હર્ષાશ્રુ આવી ગયાં. તરત જ શ્રીહરિ સંતો-હરિભક્તો સહિત સુંદરિયાણા પધાર્યા. દરરોજ નવી-નવી રસોઈ કરાવી ત્રણે ભાઈઓએ શ્રીહરિ અને સંતો-હરિભક્તોને પ્રેમથી જમાડ્યા. મહારાજ પણ ભક્તો સાથે રાસ રમ્યા, સૌને રંગે રંગ્યા. એમ અનેક પ્રકારે સૌને ખૂબ સુખ આપ્યું. હિમરાજ શાહનું કુટુંબ તો ધન્ય ધન્ય થઈ ગયું.
સત્સંગ આપણો દિવ્ય પરિવાર છે. મહારાજ-સ્વામી આપણાં મા-બાપ છે અને સંતો-ભક્તો આપણાં સગા-સ્નેહી છે. આવો અલૌકિક પરિવાર મળ્યો, ત્યારે હવે આ લોકના સંબંધો માટે આવો દુર્લભ સત્સંગ છોડીએ અથવા તેમાં મોળપ આવવા દઈએ તો ખોટનો પાર જ ન કહેવાય ને!
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!