ભક્તરત્નો
42 views
Content
14 of 17
બ્રહ્માંડ તૂટે, પણ દોરડું નહિ
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ભવ્ય સંકલ્પ અનુસાર સારંગપુર મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. સંતો-ભક્તો આ સેવાયજ્ઞમાં રાત-દિવસ યાહોમ થઈને મંડ્યા હતા. તેમાંય મોટા-મોટા પોરબંદરી પથ્થરો ચઢાવતા મહાકાય સોમા ભગતને જોઈને તો સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા. ‘સ્વામી-શ્રીજીની સેવામાં કદાચ દેહ પડી જાય તો મહારાજની હજૂરમાં અક્ષરધામમાં બેસી જઈશું’ એવા દૃઢ નિશ્ચય સાથે તેઓ સેવા કરતા હતા. સોમા ભગતની અડગ ધીરજ અને સ્વામીશ્રીની આજ્ઞામાં અખૂટ વિશ્વાસનો પરચો એક પ્રસંગે સૌને મળી ગયો.
મંદિરના મધ્યખંડનો તરઘટનો પથ્થર ઉપર ચઢતો હતો. આશરે ૧૫૦ મણના (૩૦૦૦ કિલોના) આ પથ્થરને જાડા રાંઢવાના (દોરડાના) સાત બંધથી બાંધ્યો હતો. ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ની ધૂન સાથે પથ્થર એક એક તસુ(ઇંચ) ઉપર જતો હતો. એટલામાં રાંઢવાનું એક બંધ તૂટ્યું, હજુ તો કોઈ નોંધ લે એટલામાં તો બીજું, ત્રીજું, ચોથું એમ છ-છ બંધ તૂટી ગયાં. હવે એક જ બંધ ઉપર પથ્થર એક બાજુ લટકી રહ્યો હતો. સૌને લાગ્યું કે પથ્થર પડશે તો નીચે ઘડીને તૈયાર મૂકેલા બીજા પથ્થરો પણ તોડી નાખશે. એટલે દોરડું કોઈએ છોડ્યું નહીં. હરિભક્તો દોડીને શાસ્ત્રીજી મહારાજને બોલાવી લાવ્યા. સ્વામીશ્રી એકદમ પધાર્યા અને એક બાજુ લટકતા પથ્થરને જોઈ એક હાથ ઊંચો કર્યો અને પછી કહ્યું: ‘પથ્થર હવે નહીં પડે.’ એટલે તેમાંથી એક જણે પૂછ્યું: ‘હવે ધીરે ધીરે પથ્થર નીચે ઉતારી લઈએ ને?”
ત્યારે સ્વામીશ્રીએ કહ્યું: ‘કેમ નીચે ઉતારવો છે? ઉપર ચઢાવી દ્યો.’ ત્યાં ઊભેલા સોમા ભગત તરફ દૃષ્ટિ કરી સ્વામીશ્રીએ કહ્યું: ‘સોમા ભાગત! પથ્થર ઉપર ચડીને તૂટેલાં રાંઢવાં બાંધી દો.’
શાસ્ત્રીજી મહારાજના આ શબ્દો સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયા. એક જ બંધ ઉપર લટકી રહેલા આ પથ્થર ઉપર આવા મહાકાય સોમા ભગત ચઢી જાય તો તેમની અને પથ્થરની શી સ્થિતિ થાય? એ તો જેણે માથું હાથમાં લીધું હોય તેનાથી જ બને! પરંતુ સોમા ભગતને સ્વામીશ્રીની આજ્ઞામાં અક્ષરધામનું અવિચળ પદ દેખાતું હતું. ‘સ્વામીશ્રીનું વચન હેઠે પડવા જ ન દેવું’ – એવા દૃઢ નિષ્ઠાવાળા પાંત્રીસ વર્ષના આ મહાકાય જુવાન દોટ મૂકી પથ્થર ઉપર ચડી ગયા. તેમના વજનના હલેસાથી પથ્થર એવો હલ્યો કે નીચે દોરડું પકડી રાખનાર વીસ જણાને આંચકો લાગ્યો. સૌ ભયભીત થઈ હવે શું થશે તે જોવા લાગ્યા. એટલામાં તો વીજળીની ત્વરિત ગતિએ સોમા ભગતે તૂટેલા રાંઢવાના એક, બે, ત્રણ, એમ બંધ બાંધવા માંડ્યા. આ ક્રિયા કરતાં કરતાં પણ તેમની દૃષ્ટિ વારંવાર શાસ્ત્રીજી મહારાજ તરફ જતી. સ્વામીશ્રી નિશ્ચલતાથી અભય હસ્ત ઊંચો કરીને ઊભા હતા. તેથી સોમા ભગતને પાક્કી ખાતરી હતી કે કદાચ બ્રહ્માંડ તૂટી પડે તો પણ આ પથ્થર તો નહીં જ પડે. ધીરે ધીરે તૂટેલા બંધ બાંધી સોમા ભગત નીચે ઊતર્યા અને શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં નમી પડ્યા. આશીર્વાદનો એ જ અભયહસ્ત સોમા ભક્તના માથા ઉપર મૂકી, શાસ્ત્રીજી મહારાજે તેઓની દૃષ્ટિમાં દૃષ્ટિ પરોવી અપાર રાજીપાની લહાણી કરી દીધી. ત્યાં ઉપસ્થિત સૌના હૈયે-હોઠે એક જ વાત રમતી હતી: ધન્ય છે સોમા ભગતને અને ધન્ય છે એમની ગુરુભક્તિને!
ગુરુના વચનમાં વિશ્વાસ રાખી જાનની બાજી લગાવી દેનાર આવા નિષ્ઠાવાન ભક્તોના આપણે વારસ છીએ. તેઓના પ્રસંગો નજર સમક્ષ હોય તો ગુરુને રાજી કરવાનો અવસર આપણે પણ લૂંટી શકીએ.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!