ભક્તરત્નો
42 views
Content
17 of 17
સંપ્રદાયના વ્યાસ
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
હર્ષદભાઈ દવે એટલે સંપ્રદાયના અમર ઈતિહાસની ગાથા લખનાર, સંપ્રદાયના વ્યાસ, જેમનો જીવનમંત્ર હતો ‘અક્ષરપુરુષોત્તમની ઉપાસના દૃઢ કરો અને કરાવો.’ પોતાના જીવનકાળ દરમ્યાન ૬,૦૦૦થી વધુ પૃષ્ઠોમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યોના જીવનચરિત્રો લખી તેઓએ સંપ્રદાયની મહાન સેવા કરી છે. આ ઉપરાંત પણ અન્ય સાંપ્રદાયિક સાહિત્યનું લેખન તેઓની કલમે થયું છે. પોતાની વિદ્વત્તા અને સાક્ષરતાના જોરે હજારો રૂપિયા કમાઈ શકનાર હર્ષદકાકાએ કોઈ અપેક્ષા વગર જીવનના છેલ્લા શ્વાસ સુધી નિષ્ઠાપૂર્વક સેવા કરી. યોગીજી મહારાજ તેમના માટે કહેતા કે, ‘હર્ષદભાઈના તો પગ ધોઈને પી જઈએ તો પણ ઓછું છે.’ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ - ત્રણેય ગુણાતીત ગુરુઓનો અંતરનો રાજીપો તેઓએ પ્રાપ્ત કર્યો હતો. તેનું કારણ હતું સેવાની સાથે તેઓના જીવનમાં જોવા મળતી નિષ્કામ ધર્મની દૃઢતા. સત્પુરુષે સ્વયં તેઓને આ બાબતે અત્યંત જાગૃત રહેવા જણાવ્યું હતું.
એક વખત યોગીજી મહારાજ ગોંડલ મંદિરના જૂના સભામંડપમાં કથાવાર્તા કરતા હતા. સામેથી હર્ષદકાકા સભામાં પ્રવેશ કરવા જતા હતા, ત્યાં એક મહિલા ભક્તે તેઓને રોક્યા. તે બહેન ડબ્બામાં ચોખ્ખો નાસ્તો બનાવીને લાવ્યા હતા. તેમણે હર્ષદકાકાને વિનંતી કરી કે આ ડબ્બો રસોડામાં ખાલી કરી મને ખાલી ડબ્બો પાછો આપી જાવ. હર્ષદકાકાએ એ મુજબ કરી ખાલી ડબ્બો એ મહિલાને પરત કર્યો. આ વાતની યોગીજી મહારાજને ખબર પડી.
સભા પછી જ્યારે કાકા યોગીબાપાને પગે લાગવા આવ્યા ત્યારે બાપાએ તેઓને કહ્યું કે, ‘આજે તમે ડબ્બો લીધો તે બરોબર ન કર્યું.’ હર્ષદકાકાએ કહ્યું કે, ‘બાપા! એમાં નાસ્તો હતો તે રસોડામાં ખાલી કરીને મેં ડબ્બો પાછો આપી દીધો એમાં ભૂલ શું થઈ? યોગીબાપા કહે: ‘ગુરૂ! તમે હાથોહાથ લીધું એ ખોટું કર્યું. તમારે એમ કહેવાય કે ડબ્બો નીચે મૂકો. પછી તમારે લેવાય અને ખાલી કરીને તમે ડબ્બો નીચે મૂકો પછી એ લઈ લે. આપણે હાથોહાથ આપ-લે ન કરાય. ભૂલ થઈ છે તો એક ઉપવાસ કરી લેજો.’
નિષ્કામ ધર્મની દૃઢતા માટે યોગીબાપાનો નાની બાબતમાં પણ કેટલો ખટકો હતો! હર્ષદકાકાની જેમ આપણે પણ ઉપાસના પ્રવર્તનની સેવામાં જોડાયા છીએ, તો આપણી પણ જવાબદારી મોટી છે. સત્પુરુષને આપણી પાસે પણ આવા જ ઉચ્ચ પ્રકારના વર્તનની અપેક્ષા છે. જ્યારે નિષ્કામ ધર્મ અણિશુદ્ધ પાળીએ ત્યારે સત્પુરુષના અંતરનો રાજીપો થાય છે. હર્ષદકાકા એ બાબતે ખૂબ જાગૃત હતા.
એક વખત હર્ષદકાકાના ઘેર એક સત્સંગી બહેન આવ્યા. તે જ સમયે તેઓના ધર્મપત્નીને પડોશમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ ઘરના કંઈક કામ માટે બોલાવ્યા. ગણતરીની મિનિટોમાં જ તેઓ આ કામ પતાવીને પાછા ઘેર આવ્યા. હર્ષદકાકા તો પોતાના કામમાં મગ્ન હતા. પણ જેવા તેઓએ પોતાના ધર્મપત્નીને જોયા અને તેમને ખ્યાલ આવ્યો કે થોડા સમય માટે તેઓ ઘરની બહાર જઈને આવ્યા છે, તેઓએ કડક શબ્દોમાં પોતાના પત્નીને કહ્યું કે, ‘ભાન પડે છે કે નહીં, શિક્ષાપત્રીનો ઉપદેશ ખબર નથી? હું ઘરમાં એકલો હતો અને પેલા બહેન ઘરમાં હતા. તમે મને કીધું હોત તો હું ઘરની બહાર નીકળી જાત!’ પરસ્ત્રી સાથે એકાંતમાં ન રહેવાની શ્રીજીમહારાજની આજ્ઞા પાળવાનો કેવો ખટકો!
શ્રીજીમહારાજ વચનામૃતમાં કહે છે કે, ‘એક નિષ્કામી વર્તમાન દૃઢ હોય તે ઉપરથી અમારે કોઈ દિવસ હેત ઓછું થાય નહીં...અને તે થકી અમે હજાર ગાઉ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ.’ નિષ્કામ ધર્મની આ દૃઢતાને કારણે તેઓ ઉપર સત્પુરુષનો અપાર રાજીપો હતો. સેવાની સાથે નિષ્કામ ધર્મમાં અણિશુદ્ધ રહીશું તો આપણને પણ મહંતસ્વામી મહારાજ અખંડ સાથે અનુભવાશે અને ત્યારે જ આપણને તેઓના અંતરનો રાજીપો પ્રાપ્ત થશે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!