ભક્તરત્નો
42 views
Content
12 of 17
ભગતજીમય સ્વામી વિજ્ઞાનદાસજી
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ઠાસરાના ગિરધરભાઈ વરતાલના કોઠારી શ્રી ગોરધનભાઈના ભત્રીજા થાય. પહેલેથી જ મુમુક્ષુ અને સાધુતાના ગુણે સંપન્ન. તેઓને અખંડ એવો વિચાર રહેતો કે કોઈ મોટા સ્થિતિવાળા સદ્ગુરુ મળે તો સાધુ થઈને તેમની પાસે રહેવું જેથી આ જન્મે જ બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી શકાય. તેઓએ વરતાલના ૧૯મા વચનામૃત અનુસાર એવું જાણ્યું હતું કે ભગવાન કે ભગવાનને મળેલા સંત મળે તો જ મોક્ષ થાય. આ વાત સાંભળી ગિરધરભાઈએ એવા સત્પુરુષ શોધી તેમનો સમાગમ કરવાનો દૃઢ નિશ્ચય કર્યો. એ સંકલ્પ સાથે તેઓ એવા સત્પુરુષને શોધવા સત્સંગમાં નીકળી પડ્યા.
ગઢડામાં માના ભગત સાથે ત્રણ માસ રહ્યા. કોટડામાં અઢી માસ રહ્યા. જૂનાગઢમાં મહાપુરુષદાસજી તથા રઘુવીરદાસજીનો સમાગમ કર્યો, પણ અંતરમાં હજુ શાંતિ ન થઈ. તેથી અમદાવાદમાં નિર્ગુણદાસજી પાસે બે માસ રહ્યા. ત્યાં પણ સંતોષ ન થતા ભુજમાં અચ્યુતદાસજી પાસે અઢી માસ રહ્યા. અચ્યુતદાસ તો આત્માને અખંડ દેખતા એવી સ્થિતિવાળા હતા તો પણ તેમનું મન માન્યું નહીં. છેવટે થાકીને તેઓ વરતાલ પાછા આવ્યા. અહીં કોઠારની સેવા કરતા અને કોઠારનું કામ પતાવી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પાસે એક પગે ઊભા રહી માળા ફેરવતા. મહારાજને પ્રાર્થના કરતા.
તેમના તપ અને એકનિષ્ઠાથી પ્રસન્ન થઈ મહારાજે દર્શન દીધાં. ગિરધરભાઈ તો હર્ષપુલકિત થઈ ઊઠ્યા અને ગદ્ગદ કંઠે મહારાજને સ્તુતિ કરી: ‘હે મહારાજ! આપની મૂર્તિનું અખંડ સુખ આવે અને હૃદયમાં આપ અખંડ બિરાજો એવી સ્થિતિ કરી દો.’ ત્યારે મહારાજે પ્રસન્ન થઈને કહ્યું: ‘ભક્તરાજ! એવી સ્થિતિ તો એવા પરમ એકાંતિક સત્પુરુષને સેવો તો થાય. એવા સત્પુરુષ વર્તમાનકાળે પ્રાગજી ભક્ત છે, તેમને સેવો.’ આટલું કહી મહારાજ અદૃશ્ય થઈ ગયા.
ગિરધરભાઈને આશ્ચર્ય થયું કે, ‘મહારાજે કોઈ મોટા સદ્ગુરુ ન બતાવ્યા અને આ પ્રાગજી દરજી કે જે આખો દિવસ સભામંડપમાં સીવે છે તે બતાવ્યા!’ અંત:કરણમાં સંકલ્પ-વિકલ્પ થવા માંડ્યા. શંકા-કુશંકામાંથી બહાર નીકળવા તેઓએ ફરીથી એ જ તપ આદર્યું. એક મહિના સુધીના તેઓના તપથી મહારાજે રાજી થઈને ફરી દર્શન આપ્યા અને હસતાં હસતાં કહ્યું: ‘ભક્તરાજ! એકાંતિક તો અત્યારે પ્રાગજી ભક્ત છે. દરજીના સ્વાંગ નીચે મારી મૂર્તિ અખંડ ધારી, એકાંતિક ધર્મ સિદ્ધ કરેલ બહુ મોટાપુરુષ છે. માટે વર્ણનું માન મૂકીને તેમને શરણે જશો ત્યારે શાંતિ થશે.’ આ ખાતરી આપી મહારાજ અંતર્ધાન થઈ ગયા.
આ ભક્ત માટે આટલું પૂરતું હતું. પછી તો ગિરધરભાઈએ ભગતજી મહારાજના ચરણારવિંદ પકડી લીધા. મન-કર્મ-વચને ભગતજીનો સમાગમ કરવા લાગ્યા. ગોરધનભાઈને પણ લાગ્યું કે હવે ગિરધરભાઈ ધોળે લૂગડે રહેશે નહીં તેથી તેઓને દીક્ષા અપાવી વિજ્ઞાનદાસજી નામ પાડ્યું.
વિજ્ઞાનદાસ સ્વામી જેમ જેમ ભગતજીનો સમાગમ કરતા ગયા તેમ તેમ તેઓની સાધુતા વિશેષ ખીલી ઉઠી. ભગતજીના સંબંધથી તેઓ મહારાજની મૂર્તિ વિષે અનન્યભાવે જોડાઈ ગયા. ‘ભગતજી એ જ પોતાનો આત્મા છે' એમ નક્કી કરી, દેહભાવથી પર થઈ ગયા. ત્રણે અવસ્થામાં ભગવાન સિવાય બીજો ઘાટ જ તેઓને થતો નહીં. ભગતજીમય થઈ ગયેલા વિજ્ઞાનદાસ સ્વામીએ એકાંતિક સ્થિતિ સંપૂર્ણ સિદ્ધ કરી લીધી. રૂંવાડે રૂંવાડે ભગવાનનું અખંડ ભજન કરનાર તેઓને લોકોએ ‘બંડિયા-બંડિયા’ કરી તિરસ્કૃત કર્યા, પરંતુ તેઓએ આ લોકમાં પોતાનું જે કાર્ય – એકાંતિકમાં જોડાવું અને એકાંતિક ઓળખાવવા – એ સિદ્ધ કરવામાં પાછી પાની ન કરી. તેઓ જ્યાં જતાં ત્યાં મુમુક્ષુઓને ભગતજીમાં જોડતા. ભગતજીનો અપરંપાર મહિમા કહી સૌને એવું ઘેલું લગાડ્યું કે સત્સંગમાં ચોરે ને ચૌટે ભગતજીનું નામ ગુંજવા માંડ્યું. ગુરુમહિમાના આ પ્રચંડ પ્રવાહને રોકવા તેઓની છેક ખાનદેશમાં બદલી કરી દેવામાં આવી. અજાણ્યું સ્થાન, કોઈને સત્સંગનો વિશેષ પરિચય નહીં, પ્રાદેશિક ભાષા અજાણી, ત્યાંના લોકોની રીતભાત અને રહેણી-કરણી પણ જુદી છતાં વિજ્ઞાનદાસ સ્વામીએ ત્યાં પણ સત્સંગની જમાવટ કરી. બધાને ભગતજીનો એવો મહિમા કીધો કે છેક ખાનદેશથી વહાણ ભરીને મુમુક્ષુઓ મહુવા ભગતજીનો લાભ લેવા આવવા લાગ્યા. આજે પણ ખાનદેશના સત્સંગમાં વિજ્ઞાનદાસ સ્વામીએ કરેલા અપૂર્વ દાખડાને ગૌરવભેર યાદ કરવામાં આવે છે.
વિજ્ઞાનદાસ સ્વામીની મુમુક્ષુતા, ભગતજી મહારાજમાં તેઓની અનન્ય અને અપાર પ્રીતિ, મુમુક્ષુઓને એકાંતિક સત્પુરુષની ઓળખાણ કરાવવાની અપરંપાર ધગશ આપણને અને આવનારી પેઢીને યુગો સુધી પ્રેરણા આપતી રહેશે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!