ભક્તરત્નો
42 views
Content
7 of 17
મહારાજને કોની સાથે બને?
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
મૂળજી બ્રહ્મચારી શ્રીજીમહારાજની સેવા ખૂબ ભક્તિભાવથી કરતા. એક વખત ભાદરામાં શ્રીહરિએ તેઓને પોતાની મોજડી આપીને કહ્યું: ‘તમે આની પર તેલ ચોપડી દો. કોઈ બીજાને આપશો નહીં.’
મૂળજી બ્રહ્મચારી આજ્ઞા પ્રમાણે તેલ ચોપડવા લાગ્યા. તે વખતે વશરામભાઈ ત્યાં આવ્યા. ‘તમે તો મહારાજની સેવા રોજ કરો છો માટે આ સેવા મને આપો.’ એમ કહી મૂળજી બ્રહ્મચારી પાસેથી આગ્રહ કરી મોજડી લઈ લીધી અને તેઓ તેલ ચોપડવા બેઠા. તે વખતે શ્રીજીમહારાજ ત્યાંથી પસાર થયા. મહારાજે આ જોઈ બ્રહ્મચારીને કહ્યું: ‘મોજડી બીજાને આપવાની મેં તમને ના પાડી હતી છતાં આ વશરામ ભક્તને કેમ આપી?’ અંતર્યામી શ્રીહરિએ બ્રહ્મચારીની આકરી કસોટી કરતાં કહ્યું: ‘જાવ, તમે વિમુખ છો. આજથી જોડા પહેરશો નહીં. ગળ્યું-ચીકણું ખાશો નહીં.’ એમ કહી મૂળજી બ્રહ્મચારીને સેવામાંથી છૂટા કર્યા. બ્રહ્મચારી ડભાણમાં રામદાસભાઈ પાસે આવીને રહ્યા. છ માસ વીતી ગયા. ઉનાળામાં ડભાણિયા આંબાની કેરીઓ પાકી. તેમાંથી દોઢ મણ કેરીનો ટોપલો રામદાસભાઈએ મહારાજને મોકલવા તૈયાર કર્યો, પણ મહારાજ પાસે તે ટોપલો કોણ લઈ જાય? તેથી બ્રહ્મચારીએ તેમને કહ્યું: ‘મને આપો. હું લઈ જઈશ.’ પછી તેઓ ઉનાળાના સખત તાપમાં, ઉઘાડા પગે ચાલીને ગઢડા આવ્યા. શ્રીજીમહારાજ આગળ કેરીનો ટોપલો મૂક્યો. પગે લાગીને ‘જય સ્વામિનારાયણ’ કહ્યા. પરંતુ મહારાજ તો મોઢું ફેરવી ગયા પણ કાંઈ જવાબ આપ્યો નહીં.
ગામમાં જતાં એક સુથારણ બાઈ બ્રહ્મચારીને ઓળખી ગઈ. તેણે પૂછ્યું: ‘બ્રહ્મચારી! હમણાં કેમ દેખાતા નહોતા?’ મૂળજી બ્રહ્મચારીએ પૂર્વે થયેલ પ્રસંગની વિગત કહી. પછી તે બાઈ બ્રહ્મચારીને પોતાને ઘેર તેડી ગઈ. ઘી, ગોળ, લોટ વગેરે સીધું આપ્યું, પરંતુ બ્રહ્મચારી તો કેવળ બાટી બનાવીને જમ્યા અને ઘી, ગોળ પાછાં મોકલાવ્યાં. તે બાઈએ પૂછ્યું કે ‘ઘી, ગોળ કેમ રહેવા દીધાં?’ ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે, ‘મહારાજે ગળ્યું-ચીકણું ખાવાની ના પાડી છે.’ વિમુખ કરી દીધા પછી પણ મૂળજી બ્રહ્મચારી શ્રીજીમહારાજે આપેલ પ્રાયશ્ચિત છ-છ મહિનાથી સારધાર પાળતા હતા. બ્રહ્મચારીના અંતરમાં મહારાજ માટે કેવો અલૌકિક દિવ્યભાવ હશે!
પછી તો તે બાઈ બ્રહ્મચારીને લઈને મહારાજ પાસે ગઈ. મહારાજને ઠપકો આપતાં તેણે કહ્યું: ‘મહારાજ! આવા નમેરા (નિર્દય) કેમ થયા છો? આ બ્રહ્મચારી આવા તાપમાં ઉઘાડે પગે સાઠ ગાઉથી કેરીનો ટોપલો લાવ્યા ને તમે ‘જય સ્વામિનારાયણ’ પણ કહ્યા નહીં?’ શ્રીજીમહારાજે હસીને કહ્યું: ‘અમારી ક્યાં ના છે! તેમને બોલાવો.’ આ સાંભળી બ્રહ્મચારી તત્કાળ મહારાજની સેવામાં જોડાઈ ગયા. તરત જ મહારાજને રસ-રોટલી જમાડી રાજી કર્યા. શ્રીજીમહારાજે તેમનું વગર વાંકે અપમાન કર્યું, કાઢી મૂક્યા, જોડા ન પહેરવાનો તથા ગળ્યું-ચીકણું ન ખાવાનો નિયમ આપ્યો છતાં પણ તેમને જરાય ક્ષોભ ન થયો અને મહારાજમાં અખંડ વૃત્તિ રાખી ભજન કર્યું. તેથી જ ભગવાન સ્વામિનારાયણે તેઓનું પ્રમાણ આપતાં કહ્યું છે: ‘બ્રહ્મચારી કોઈ દિવસ મૂંઝાતા નથી તેથી અમારે એમની સાથે ઘણું બને છે...’
ભગવાન અને ગુણાતીત સંતને આપણી સાથે ક્યારે બને? તો શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, ‘ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવો હોય તે પાકો સત્સંગી છે અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે.’ જો આવા સત્સંગી થઈએ તો મહારાજ અને સ્વામીશ્રીને આપણી સાથે બને.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!