ભક્તરત્નો
42 views
Content
5 of 17
ઉત્તમ સમજણ
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં શ્રીજીમહારાજના અનન્ય ભક્ત દેવજી ભગત રહેતા હતા. તેઓ દેહાતીત દશામાં વર્તતા હતા. તેઓ અને તેમનાં પત્ની કંકુબાઈ રાત-દિવસ મહારાજની ભક્તિમાં તલ્લીન રહેતા. એમને એક જ પુત્ર હતો. મહારાજની કૃપાથી તેને પણ નિરાવરણ દૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી. ઘરે બેઠાં તે મહારાજના ચરિત્રો દેખતો અને મૂર્તિને અંતરમાં અખંડ ધારતો.
સંવત ૧૮૭૬નું વર્ષ હતું, દેવજી ભગતના દીકરાને વીસ વર્ષ થયાં હતાં. આથી, તેના સગપણના માંગા આવવા શરૂ થઈ ગયા હતા. દેવજી ભગત અને તેમનાં પત્નીએ મહારાજને મનોમન પ્રાર્થના કરી, ‘હે મહારાજ! આ અમારો પુત્ર કેવળ તમારો જ થઈને રહે, પણ આ લોકમાં માયાનો ન બને, એવી કૃપા કરજો.’
અને મહારાજે તેમના અંતરની પ્રાર્થના જાણે સાંભળી હોય તેમ પુત્રને એકાએક ધામમાં તેડી ગયા. સામાન્ય રીતે લોકમાં એકનો એક જુવાનજોધ દીકરો ધામમાં જાય તો માતા-પિતા પાગલ જેવા થઈ જાય. જ્યારે દેવજી ભગત અને તેમનાં પત્ની તો સ્થિર રહ્યાં અને વિચાર્યું કે દીકરાને મહારાજે અખંડ પોતાની પાસે સેવામાં રાખી લીધો!
પણ ‘લોક સૌ ખરખરો કરવા આવે, રોકકળ કરે અને એમને લીધે આપણે પણ રોવું પડશે, એના કરતાં ભજન-ભક્તિ ન કરીએ?’ આ વિચારથી દેવજી ભગતે તેમનાં પત્નીને કહ્યું, “હું જાઉં છું ખેતરે અને તું જા ગઢડા. આપણી ભેંસોના ઘીનો ઘાડવો સાથે લેતી જા. ત્યાં મહારાજ અને સંતોને ઘેબરની રસોઈ આપજે. હું ખેતરે રોટલા ટીપી ખાઈશ. નિરાંતે ભગવાન ભજાશે.”
ઘરને તાળું મારી ભગત ખેતરે ગયા અને કંકુબાઈએ ગઢડાની વાટ લીધી. સગાં-વહાલાં તાળું જોઈ કાણે આવતાં બંધ થયાં. આ બાજું કંકુબાઈ ગઢડા પહોંચ્યા અને મહારાજને પગે લાગ્યા.
મહારાજે પૂછ્યું, “પટેલ સુખી તો છે ને?”
“મહારાજ! પટેલ સુખી હતા ને હવે વધુ સુખી થયા.”
મહારાજ તો બધું જાણતા હતા, પણ સૌને આ દંપતીની નિષ્ઠા, સમજણનાં દર્શન થાય તે માટે પૂછ્યું, “શું થયું? વાત કરો.”
એટલે કંકુબાઈએ સાહજિકતાથી દીકરો ધામમાં ગયો તેની વાત કરી. દરબાદગઢમાં આ વાત સાંભળી સૌ હેબતાઈ ગયા. મહારાજ કહે, “આ ભગતની સમજણ તો જુઓ! જુવાન દીકરો ધામમાં ગયો તો પણ ઘીની રસોઈ લઈને આવ્યા છે. ને પાંચ વરસનાં હીરુબા (પાંચુબાના દીકરી) ધામમાં ગયા તે દરબારમાં શોક મટતો નથી ને અમારો થાળ બંધ થયો. એ તો હીરુબાએ અમને જમાડવાનો સંકલ્પ અધૂરો હતો તે દરબારમાં જન્મ લીધો હતો અને અમને થાળ જમાડી ધામમાં ગયા.” મહારાજની વાત સાંભળી દરબારગઢમાં સૌનો શોક ટળી ગયો.
જીવન છે એટલે સુખ-દુ:ખ તો આવવાનાં જ, પરંતુ તેમાં ભગવાનને કર્તાહર્તા અને આપણાં હિતેચ્છુ માની રાજી રહીએ તો અંતરે શાંતિ રહે અને સત્સંગ ચૂંથાઈ ન જાય. સૌ દેવજી ભગત અને કંકુબાઈની સમજણ ઉપર વારી ગયાં. આવી સમજાણના લીધે જ દેવજી ભગત શ્રીજીમહારાજની માળાના મણકામાં સ્થાન પામી ગયાં હતાં. આવી ઉત્તમ સમજણ સહિતનો સત્સંગ કરીએ તો આપણે પણ મહારાજની માળાના મણકામાં આવી જઈએ!
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!